ગુજરાતમાં આજે દૂધની સપ્લાય બંધ, માલધારી સમાજે ઉગ્ર કર્યો વિરોધ
સરકાર સમક્ષ કરેલી વિવિધ માંગણીઓને ઉકેલ ન આવતા માલધારી સમાજે આજે દૂધનુ વિતરણ બંધ રાખ્યુ છે.
સરકાર સમક્ષ કરેલી વિવિધ માંગણીઓને ઉકેલ ન આવતા માલધારી સમાજે આજે દૂધનુ વિતરણ બંધ રાખ્યુ છે. જો કે રાજકોટ ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે દૂધનુ વિતરણ ચાલુ રાખશે. જો કે, આજે દૂધ ન મળવાની અફવાને પગલે ગઈકાલે રાજકોટમાં લોકોએ દૂધ લેવા પડાપડી કરી હતી. રિટેલરો અને ગ્રાહકો દૂધનો સ્ટોક કરવા લાગ્યા હતા. જેના કારણે રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં દૂધ ખૂટી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

ગુજરાતમાં માલધારી (પશુપાલકો) સંગઠનોએ તેમની માંગણીઓ, મુખ્યત્વે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવાની, પૂરી ન થાય ત્યાં સુધી પુરવઠો બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભા બુધવારે આ બિલને રદ કરવાની દરખાસ્ત રજૂ કરે તેવી ધારણા છે. ગુજરાત માલધારી મહાપંચાયતના કન્વીનર નાગજીભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, 'સમગ્ર ગુજરાતમાં અમે 21 સપ્ટેમ્બર, બુધવારે દરેકને દૂધનો પુરવઠો બંધ કરીશુ - પછી તે વ્યક્તિગત ગ્રાહકો હોય કે દૂધની મોટી ડેરીઓ હોય કે કંપનીઓ - જ્યાં સુધી અમારી તમામ માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે.'
દેસાઈએ ઉમેર્યુ હતુ કે, 'અમે ઇચ્છીએ છીએ કે તેઓ ગૌચર નિયંત્રણ કાયદો રદ કરે જે અમારી ગૌચર જમીનો લઈ રહ્યો છે. સત્તાવાળાઓએ અમારા આશ્રયસ્થાનોમાંથી ઢોર લેવાનુ બંધ કરવુ જોઈએ અને ગામડાઓને શહેરી વિસ્તારોમાં સમાવિષ્ટ કરવાનુ બંધ કરવુ જોઈએ કારણ કે તેમણે રાજ્યમાં માલધારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી ઘણી માંગણીઓમાંથી કેટલીક વિગતો આપી હતી. એક નિવેદનમાં ઓઢવ માલધારી સમાજે જણાવ્યુ હતુ કે વિરોધમાં તે દૂધ વેચશે નહિ પરંતુ તેમના દૂધના સ્ટૉકની ખીર બનાવશે અને એક દિવસ માટે વિસ્તારના લોકોને વહેંચશે.
નાગજીભાઈ જણાવ્યુ હતુ કે અમારી માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. સરકારે માત્ર એક માંગ સ્વીકારી છે પરંતુ સમાજ ઈચ્છે છે કે અમારી તમામ 11 માંગણીઓ સરકારે સ્વીકારવી પડશે. બુધવારે મળનાર વિધાનસભાના બે દિવસના ટૂંકા વિશેષ સત્રના પ્રથમ દિવસે જ રખડતા ઢોર નિયંત્રણ કાયદા માટેનુ આ બિલ પરત ખેંચી લેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસના કારણે હાઈકોર્ટની લાલ આંખ બાદ સરકારે તાત્કાલિક કાયદો ઘડ્યો હતો. સરકાર તરફ રાહતની અપેક્ષાની સામે સરકારે કડક કાયદાની અમલવારીની જાહેરાત કરતા માલધારી સમાજે સરકાર સામે મોરચો માંડ્યો છે. માલધારી સમાજે 21 તારીખે દૂધની હડતાળ અને 22 તારીખે ગાયને ગોળના લાડવા ખવડાવવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
