રોજિંદા જીવનમાં યોગ અપનાવવા મંત્રી ભાનુબેન બાબરીયાએ કર્યો અનુરોધ
Minister Bhanuben Babaria: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યોજાયેલી સ્પર્ધાનો વિજેતા સન્માન સમારોહ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયો હતો.
આ સ્પર્ધાનો ગાંધીનગર જિલ્લા- વોર્ડ કક્ષાનો વિજેતા સન્માન સમારોહ ગાંધીનગરના પુનિત વન ખાતે મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શાળાના બાળકો તથા આંગણવાડીના કાર્યકર બહેનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

વિજેતા સહિતના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આપણી યોગની સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોએ સ્વીકારી છે. રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને વધુ નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત 1 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
મંત્રી ભાનુબેન બાબરીયાએ તમામ નાગરિકો ખાસ કરીને બહેનોને રોજિંદા જીવનમાં યોગ અને વ્યાયામને અપનાવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, યોગ એ આપણા જીવનના પરિવર્તનનું સાધન તથા તંદુરસ્ત જીવન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. સૂર્ય નમસ્કાર એ યોગની એક શ્રેષ્ઠ કલા છે, જે આપણા શરીર, મન અને આત્માને સ્વસ્થ અને પ્રફુલ્લિત બનાવે છે. સૂર્ય નમસ્કાર એ બાર આસનોનો સમન્વય છે, જે સૂર્યને નમન કરે છે.
મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સૂર્યએ જીવનનો સ્રોત છે, જે આપણને ઊર્જા અને પ્રકાશ આપે છે. સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરના બધા અંગો વધુ સક્રિય થાય છે, આપણાં રક્તનો પ્રવાહ વધુને વધુ સક્રિય બને છે. આપણી પાચન શક્તિ વધારે છે, આપણી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારે છે. જેનાથી લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મ્યુન્સિપલ કોર્પોરેશનના નાયબ મુખ્ય કમિશનર જે. એન. ભોરણીયા, મદદનીશ મુખ્ય કમિશનર અમિત સિંઘાઈ, કોર્પોરેટર કૈલાશબેન સુતરીયા, હેમાબેન ભટ્ટ તથા પદમસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરા સહિત રાજ્યમાં વિવિધ 108 સ્થળો પર આયોજિત કાર્યક્રમમાં આજે એકસાથે 50,000 પ્રતીભાગીઓ દ્વારા સૂર્યનમસ્કાર કરવાનો વિક્રમ સર્જીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો. મુખ્યમંત્રીએ નવા વર્ષમાં દેશનો સૌથી પ્રથમ વિશ્વ રેકોર્ડ ગુજરાતના નામે લખાવવામાં નિમિત્ત બનેલ સૂર્યનમસ્કાર સ્પર્ધકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યુવા-સાંસ્કૃતિક વિભાગ સહિત સમગ્ર ગુજરાતને આ ઐતિહાસિક વિક્રમ સ્થાપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રખ્યાત મોઢેરા સૂર્ય મંદિર ખાતે એક નોંધપાત્ર મેળાવડો થયો, જેમાં પરિવારો, વિદ્યાર્થીઓ, યોગ ઉત્સાહીઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત વિવિધ જૂથોની સક્રિય ભાગીદારી જોવા મળી. મોઢેરામાં યોજાયેલી ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
સમગ્ર રાજ્યમાંથી અંદાજે 50,000 લોકોએ ગુજરાતમાં 108 સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા અને એક સાથે વિવિધ સ્થળોએ સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.












Click it and Unblock the Notifications
