શિક્ષણમાં અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ જીવન વિકાસનો મહત્વપૂર્ણ ભાગ છેઃ નાણાંમંત્રી કનુ દેસાઈ
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે બાળકોમાં અભ્યાસેત્તર પ્રવૃતિઓ વિકસાવવા આગ્રહ કર્યો હતો.
ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ વાપી ખાતે ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે બાળકોમાં અભ્યાસેત્તર પ્રવૃતિઓ વિકસાવવા આગ્રહ કર્યો હતો. અભ્યાસેત્તર પ્રવૃતિઓ જીવન વિકાસમાં મહત્વનો ભાગ ભજવતાં હોવાનું નાણાંમંત્રીએ જણાવ્યુ હતું.

કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ માર્ચિંગ બેન્ડ સાથે મંત્રીને આવકાર્યા હતા. નાના બાળકોએ ૩ જુદી જુદી ભાષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સ્વાગત પ્રવચન કરી તેમજ વિદ્યાર્થીઓએ સ્વાગત નૃત્ય કરી હાજર મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. 'ભારત હમકો જાન સે પ્યારા હે’ ગીત ઉપર દેશભક્તિ નૃત્ય રજૂ કર્યું હતું. શૈક્ષણિક અને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓના સંચાલન માટે ચૂંટાયેલા ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓને બેજ આપી સન્માનિત કર્યા હતા.
મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતુ કે, “અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ પણ શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા બદલ શિક્ષકો, શાળા પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો શારિરીક અને માનસિક વિકાસ સારી રીતે થાય છે અને તેઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ બને છે. શાળા દરેક ક્ષેત્રે સારી પ્રગતિ કરી રહી છે અને ભવિષ્યમાં હજી સારૂ કાર્ય કરે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે વાપી નોટિફાઈડ એરિયાના સંગઠન પ્રમુખ હેમંત પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખ સતિષ પટેલ, શાળાના ટ્રસ્ટી સી.વી.મેથ્યુસ અને જોબી ટી. રાજન, શાળાના આચાર્યા સુનિતા રાજપુત, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
