સાબરમતી નદી પરના બેરેજ બનાવવા 220 કરોડથી વધુ રકમ મંજૂર કરાઇ
સાબરમતી નદીને પુન:જીવિત કરીને પાણીના સ્તર વધુ ઊંચા લાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ધરોઈ ડેમથી અમદાવાદ સુધી નદી પર વિવિધ સ્થળોએ સાત જગ્યાએ સિરિઝ ઓફ બેરેજ બનાવવાની યોજના અમલી બનાવવામાં આવી છે.
જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, આ સિરિઝ ઓફ બેરેજના આયોજનના ભાગરૂપે સાબરમતી નદી પર માણસા તાલુકાના અંબોડ ગામે બેરેજ બનાવવા રૂપિયા 220.68 કરોડની યોજનાને આજે વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

મંત્રી કુંવરજી બાવળીયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ અંબોડ ખાતે બેરેજ તૈયાર થવાથી અંદાજે 210 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ થવાથી 6 થી 7 કિલોમીટર લંબાઈમાં સરોવરનું નિર્માણ થશે. જેનાથી ગાંધીનગર જિલ્લાના માણસા, ગાંધીનગર અને પ્રાંતિજ તાલુકાના અંબોડ, ઇન્દ્રાજપુર, પોયડા, વરસોડા સીતવાડા, ગુનમા, ઓરણ અને માધવગઢ એમ આઠ ગામોને લાભ થશે.
આ યોજના તૈયાર થવાથી આ વિસ્તારની અંદાજે 1100 હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાભ થશે. આ યોજના આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
જળ સંપત્તિ રાજ્ય મંત્રી મૂકેશ પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સાબરમતી નદીને પુનઃજીવિત કરવા માટે ધરોઈ બંધથી અમદાવાદના વાસણા બેરેજ સુધી જુદી જુદી જગ્યાએ હયાત લાકરોડા સંત સરોવર અને વાસણા બેરેજ ઉપરાંત વિવિધ સાત જગ્યાએ સિરિઝ ઓફ બેરેજ બનાવવાની યોજનાનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે.
આં યોજના અંતર્ગત વલાસણા ખાતે સાબરમતી નદી પર બેરેજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે હિરપુરા બેરેજનું કામ પ્રગતિમાં છે જે આવતા જૂન સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે જેના પરિણામે આજુબાજુના વિસ્તારમાં પાણીના સ્તર ઊંચા આવવાથી પીવાના પાણી તેમજ સિંચાઈ માટે ખેડૂતોને લાભ થશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
