મહેસાણામાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું, 16 હજાર લીટર શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે સક્રિય ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) એ મહેસાણાના ગીલોસણ ગામમાં આવેલા એક કારખાના પર દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે.
શંકાસ્પદ રીતે ઘી બનાવવામાં આવતું હોવાની બાતમી મળતા પોલીસે શિવાન ફૂડ પ્રોડક્ટ્સ નામના એકમની તપાસ શરૂ કરી હતી.

પોલીસને ત્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતાં તાત્કાલિક મહેસાણા FDCAને જાણ કરવામાં આવી હતી. FDCAની ટીમે સ્થળ પર પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને કારખાનાને સીલ કરી દીધું છે.
FDCAના દરોડામાં કારખાનામાંથી કુલ ૧૬,૮૧૨ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૯૫.૬ લાખ જેટલી આંકવામાં આવી છે.
તપાસ દરમિયાન અમૃત પ્યોર ઘી, અમૃત કાઉ ઘી અને ગૌધારા કાઉ ઘીના લગભગ ૭૫ જેટલા કાર્ટૂન મળી આવ્યા હતા, ઉપરાંત અન્ય બ્રાન્ડના ૭૦૦ કાર્ટૂન પણ મળી આવ્યા હતા. FDCAના અધિકારીઓએ કુલ ૧૮ ઘીના સેમ્પલ લીધા છે અને તેને ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
લેબોરેટરી રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે. જો ઘીના સેમ્પલ હલકી ગુણવત્તાવાળા (Substandard) જણાશે, તો રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC)ની કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી થશે, જેમાં ૫ લાખ સુધીનો દંડ થઈ શકે છે.
જો ઘીનો જથ્થો અસુરક્ષિત (Unsafe) જાહેર થશે, તો કેસ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલશે, જેમાં ૩ લાખ સુધીનો દંડ અને ત્રણ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
