આજે મોદી કરશે વાયબ્રન્ટ નવરાત્રિનો શુભારંભ, મહાઆરતી યોજાશે
ગાંધીનગર, 5 ઓક્ટોબર: ગુજરાતની આગવી ઓળખ સમા અને વિશ્વના સૌથી લાંબો ચાલનારો નૃત્વ મહોત્સવ એટલે નવરાત્રિ મહોત્સવ. ગુજરાત ટુરીઝમ અને રાજ્ય સરકારના સહયોગથી પ્રતિ વર્ષ યોજાતા વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવને આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિધિવત રીતે ખુલ્લો મુકશે. ગુજરાત યુનિવસિર્ટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાનારા આ નવરાત્રિ મહોત્સવનો સાંજે 7.00 કલાકે શુભારંભ થશે. જેમાં ''નારાયણી નમો સ્તુતે'' થીમ અંતગર્ત ભાતિગળ પહેરવેશમાં 100 જેટલા ખેલૈયાઓ દ્વારા કાશ અને ધ્વનિના તાલે સુંદર નૃત્ય રજૂ કરાશે. ત્યારબાદ મહાઆરતીનું પણ આયોજન કરાયું છે.
આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, કાયદા પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત ટુરીઝમના અધ્યક્ષ કમલેશ પટેલ સહિત અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત યુનિવસિર્ટી ગ્રાઉન્ડ ખાતે તા. 5 થી 12 ઓક્ટોબર, 2013 દરમ્યાન યોજાનારા આ મહોત્સવ અંતગર્ત તા. 6ઠ્ઠી ઓક્ટોબરથી દરરોજ સાંજે 7.00 થી 9.00 વાગયા સુધી રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધા અને રાત્રિના 9.00 થી 12.00 દરમ્યાન ખેલૈયાઓ દ્વારા શેરી ગરબા પણ રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત મુલાકાતીઓ માટે થીમ પેવેલીયન, ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ, સ્પોર્ટ્સ પેવેલીયન અને બાળકો માટે એક ખાસ કીડ્યઝ ઝોન પણ ઉભું કરવામાં આવ્યું છે. આ મુલાકાતીઓને અવનવા આકર્ષણો જોવા અને માણવાનો લ્હાવો મળશે. આ નવરાત્રિ મહોત્સવને માણવા દેશ-વિદેશથી લોકો અહીં આવે છે. આ વખતે પણ વિદેશી ખેલૈયાઓ અને પર્યટકો હાજર રહેશે અને નવરાત્રિ મહોત્સવ માણશે. દેશ-વિદેશથી આવનારા મહેમાનો માટે નવરાત્રિ મહોત્સવ દરમ્યાન પ્રવાસન નિગમ દ્વારા ખાસ ટુર પેકેજનું પણ આયોજન કરાયું છે.
આ અંગેની વધુ માહિતી ટુરીઝમની વેબસાઇટ www.gujarattourism.com પરથી તથા ટોલ ફ્રી નંબર 18002337951 પરથી પણ મળી શકશે. રાક્ષસી સંસ્કૃતિના વિનાશ માટે આદ્યશક્તિનું અવતરણ થયું અને નવદિવસ સુધી મહિષાસુર સાથેના યુદ્ધ બાદ દશમા દિવસે દાનવો ઉપર દેવોનો વિજય થયો અને આથી જ આ નવ દિવસ આદ્યશક્તિ આરાધનાનું પર્વ બની ગયું. ગુજરાત એક એવું રાજ્ય છે કે જયાં નવરાત્રિ એક સામુદાયિક ઉત્સવ તરીકે ઉજવાય છે.












Click it and Unblock the Notifications
