For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શપથવિધિ પૂર્ણ, હવે મંત્રીઓને ખાતાની ફાળવણી અંગે ચર્ચા શરૂ

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 26 ડિસેમ્બર :મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રીઓના શપથની વિધિ પૂર્ણ થયા બાદ જનતાનું અભિવાદન ઝીલવામાં આવ્યું. જો કે કાર્યક્રમ પૂરો થતાની સાથે જ સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકોની વચ્ચે સિનિયર વજુભાઇ વાળા અને નરોત્તમ પટેલને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયાની ચર્ચાની સાથે કયા મંત્રીઓને કયું ખાતું સોંપવામાં આવશે તે અંગેની અટકળો શરૂ થઇ ગઇ છે.

અપડેટ : 12.55 PM

શપથવિધિ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મહાનુભાવોને મળ્યા. જનતાએ ઉભા થઇને ભગવો ખેસ ફરકાવી, ભારત માતાની જય બોલાવીને અભિવાદન કર્યું. જનતાનું અભિવાદન ઝીલવા ખુલ્લી જીપમાં બેસીને ચક્કર લગાવ્યું.

અપડેટ : 12.34 PM

રાજ્યપાલ મહાદયાએ શપથવિઘિ સમાપનની અનુમતિ આપી. રાજ્યપાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું. શપથવિધિ પુરી થતા જ આતશબાજી કરવામાં આવી.

અપડેટ : 12.29 PM

આશીર્વાદ - શુભેચ્છાના ધોધ વચ્ચે નરેન્દ્ર મોદી - મંત્રીઓએ શપથ લીધા

રાજ્યપાલે રાજ્યકક્ષાના મંત્રીઓના શપથ માટે મંજૂરી આપી. જે ક્રમમાં શપથ લીધા તે મુજબ નામ. પુરસોત્તમ ઓધવજીભાઇ સોલંકી, પરબતભાઇ સવાભાઇ પટેલ, વસુબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી, પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા, લીલાધરભાઇ ખોડાજી વાઘેલા, રજનીકાંત સોમાભાઇ પટેલ, ગોવિંદભાઇ પટેલ, નાનુભાઇ ભગવાનભાઇ વાનાણી, જયંતિભાઇ રામજીભાઇ કવાડિયા.

અપડેટ : 12.09 AM

આજે મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના મંત્રીઓ સૌપ્રથમ પોતાના પદ અને ત્યાર બાદ ગોપનીયતા જાળવવાના શપથ લઇ રહ્યા છે. શપથ લીધા બાદ તેઓ હસ્તાક્ષરની ઔપચારિકતા પૂરી કરી રહ્યા છે. શપથ લેનારા મંત્રીઓના શપથ લીધા તે ક્ર્મમાં નામ. નીતિન પટેલ, આનંદીબહેન મફતલાલ પટેલ, રમણલાલ વોરા, ભૂપેન્દ્રસિંહ મનુભાઇ ચૂડાસમા, સૌરભ પટેલ, ગણપતભાઇ વસ્તાભાઇ વસાવા, બાબુભાઇ ભીમાભાઇ બોખિરિયા.

અપડેટ : 11.57 AM

આશીર્વાદ - શુભેચ્છાના ધોધ વચ્ચે મોદી અને મંત્રીઓના શપથ

રાજ્યપાલએ ગુજરાતના મંત્રીમંડળના સભ્યોને શપથ લેવા અનુમતિ આપી. નીતિન પટેલે સૌપ્રથમ શપથ લીધા.

અપડેટ : 11.55 AM

હું નરેન્દ્ર દામોદરદાસ મોદી ઇશ્વરની સાક્ષીએ શપથ લઉં છું કે... નરેન્દ્ર મોદીએ શપથ લીધા.

અપડેટ : 11.50 AM

રાજ્યપાલ શપથવિધિ સ્થળે આવી પહોંચ્યા. રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી.

અપડેટ : 11.48 AM

રાજ્યપાલની રાહ જોવામાં આવી રહી છે. રાજ્યપાલને આવકારવા નરેન્દ્ર મોદી બેક સ્ટેજ પહોંચ્યા છે. બીજી તરફ સોગંદવિધિને પગલે ગોઠવાયેલી ટ્રાફિક વ્યવસ્થાને પગલે આશ્રમ રોડ, સીજી રોડ પર ટ્રાફિક જામ થતા મુસાફરોને મુશ્કેલી નડી.

અપડેટ : 11.30 AM

શપથવિધિ બાદ નરેન્દ્ર મોદી ઉપસ્થિત નાગરિકોને સંબોધન કરશે. ત્યાર બાદ ખુલ્લી જીપમાં સ્ટેડિયમમાં આંટો મારી નાગરિકો, સમર્થકો, કાર્યકરો અને ચાહકોનું અભિવાદન ઝીલશે. સ્ટેજ પરથી શિવાજીના ગીતનું ગાયન થઇ રહ્યું છે. લોકપ્રિય ટીવી સીરિયલ 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' ફેમ દિશા વાકાણી, દિલીપ જોશી, ગુજરાતી અભિનેતા દર્શન ઝરીવાલા, જે ડી મજેઠિયા આકર્ષણનું કેન્દ્ર બન્યાં. વીએચપીના અશોક સિંઘલ હાજર રહ્યા. કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર પણ ઉપસ્થિત. ફિલ્મ અભિનેતા અને ભાજપના સાંસદ વિનોદ ખન્નાની હાજરી.

અપડેટ : 11.25 AM

ટૂંક સમયમાં રાજ્યપાલ મંચ પર પધારશે. રાષ્ટ્રગીતના ગાન બાદ શપથવિધિ શરૂ કરવામાં આવશે.

અપડેટ : 11.22 AM

શપથ મંચ પર મહાનુભાવો સ્થાન ગ્રહણ કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાતના લોકકલાકારો ગુજરાતના લોકગીતોનું ગાયન કરી રહ્યા છે. જીપીપીના અધ્યક્ષ કેશુભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સૂચક ગેરહાજરી આંખે ઉડીને વળગી.

અપડેટ : 11.15 AM

શપથ સ્થળે નરેન્દ્ર મોદી પહોંચ્યા, ટૂંક સમયમાં શપથ લેશે

નરેન્દ્ર મોદી શપથવિધિ સ્થળે પહોંચ્યા. દરેક વ્યક્તિને મળી રહ્યા છે. સંતો-મહંતો પાસે પહોંચી આશીર્વાદ મેળવી રહ્યા છે. જયલલિથાનું સ્વાગત કર્યું, પ્રકાશસિંહ બાદલ, આદિત્ય ઠાકરે પણ સ્ટેડિયમ પહોંચ્યા. એલ કે આડવાણીના પત્ની કમલા આડવાણી અને દીકરી પ્રતિભા આડવાણી પહોંચ્યા. સૌ મહાનુભાવેને નરેન્દ્ર મોદી રૂબરૂ જઇને મળ્યા.

અપડેટ : 11.10 AM

ફિલ્મ અભિનેતા સુરેશ ઑબેરૉય, વિવેક ઑબેરૉય, કિરણ ખેર, વસુંધરા રાજે સિંધિયા, સુરેન્દ્ર પટેલ (કાકા), અનંત કુમાર, કલરાજ મિશ્ર, રાજ ઠાકરે, વેંકૈયા નાયડુ, પ્રકાશ જાવડેકર, મુખ્તાર અબ્બાસ નકવી, સી પી માથુર, અમિત શાહ સ્ટેડિયમ પર પહોંચ્યા અને સ્થાન ગ્રહણ કર્યું.

અપડેટ : 11.07 AM

સ્ટેડિયમ જઇ રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ જણાવ્યું કે "ઇતિહાસે ખૂબ મોટી જવાબદારી ભાજપ અને એનડીએને આપી છે. આઝાદી બાદ ભારતે વિશ્વની પ્રથમ પંક્તિના દેશોમાં સ્થાન મેળવવાનું હતું. જો સ્થિર શાસન હોય તો 21મી સદીમાં ભારત આ સિદ્ધિ મેળવી શકે છે. ગુજરાત તેમાં પ્રમુખ છે. ત્યાર બાદ ભાજપ શાસિત અન્ય રાજ્યો પણ ગુડ ગવર્નન્સ અને ડેવલપમેન્ટના મોડેલ બન્યાં છે."

અપડેટ : 11.05 AM

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચોથીવાર શપથ લેવા જઇ રહેલા નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા આવી રહેલા તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા એરપોર્ટ પર પહોંચ્યા. ઓમપ્રકાશ ચૌટાલા સ્ટેડિયમ પહોંચ્યા.

અપડેટ : 10.55 AM

નરેન્દ્ર મોદીની શપથવિધિમાં રાજકીય-બૌદ્ધિક હસ્તીઓ પહોંચી

છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ એરપોર્ટ પર પહોંચ્યા. પત્રકાર અને ભાજપના પ્રધાન રહી ચૂકેલા અરૂણ શૌરી એરપોર્ટ પર પહોંચ્યા. ભાજપના રાષ્ટ્રીય સ્તરના અગ્રણીઓઓ સ્ટેડિયમ પહોંચ્યા. નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પહોંચશે.

અપડેટ : 10.45 AM

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સહારા જૂથના વડા સુબ્રોતો રૉય સ્ટેડિયમમાં પહોંચ્યા.

અપડેટ : 10.30 AM

અમદાવાદના નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી, ભાઇ પ્રકાશ મોદી અને ભાજપના સાંસદ નવજોત સિધ્ધુ પહોંચી ગયા છે. ધીરે ધીરે જનમેદની ઉમટી રહી છે.

અપડેટ : 10.00 AM

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચોથીવાર શપથ લેશે

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આજે સતત ચોથીવાર શપથ લેવા જઇ રહ્યા છે. આ ભવ્ય શપથ વિધિમાં સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ અને જાણીતી હસ્તીઓ ભાગ લઇ રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં એન્ટિઇન્કમ્બન્સી ફેક્ટરને જબરદસ્ત ટક્કર આપીને ફરી વિજયી બનેલા ભાજપની સફળતામાં નરેન્દ્ર મોદીની ભૂમિકા મુખ્ય રહી છે ત્યારે આ શપથવિધિ તેમના માટે શક્તિ પ્રદર્શનનું સ્થળ બની રહેશે.

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારે 11.15 કલાકે શપથવિધિ યોજાશે. ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલજી મુખ્યમંત્રી પદના સૌગંદ લેવડાવશે. અંદાજે એક લાખની બેઠક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌપ્રથમવાર 7 ઑક્ટોબર, 2001ના દિવસે શપથ લીધા હતા. ત્યારથી અત્યાર સુધીમાં તેમણે ગુજરાતના વિકાસને એક નવા આયામ પર પહોંચાડ્યું છે. હવે મુખ્યમંત્રી દેશમાં વિકાસની નવી સિધ્ધિઓ સર કરવા માંગે છે. ત્યારે લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને આ શપથવિધિનું ખૂબ મહત્વ છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના મંત્રીઓ આજે શપથ લેવાના છે, ત્યારે દેશભરમાંથી એનડીએના ઘટક દળોના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. જેમાં અર્જુન મુંડા (મુખ્યમંત્રી, ઝારખંડ), શિવરાજસિંહ ચૌહાણ (મુખ્યમંત્રી, મધ્યપ્રદેશ), રમણસિંહ (મુખ્યમંત્રી, છત્તીસગઢ), જયલલીતા (મુખ્યમંત્રી, તામીલનાડુ), પ્રકાશસિંહ બાદલ (મુખ્યમંત્રી, પંજાબ) ઉપરાંત ભાજપના નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, લાલકૃષ્ણ અડવાણી, રાજ ઠાકરે, મુરલી મનોહર જોષી, રાજનાથસિંહ, વૈંકેયા નાયડુ, બલબીર પૂંજ, હેમામાલિની, સુશીલ મોદી, વિવેક ઓબેરોય, અરૃણ શોરી, સ્મૃતિ ઈરાની અને અન્ય રાજયોના ભાજપના પ્રમુખો.

નરેન્દ્ર મોદી સાથે જેમનો છત્રીસનો આંકડો માનવામાં આવે છે તેવા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને ગુજરાત સરકારે આમંત્રણ જ પાઠવ્યું નથી. આથી તેઓ ઉપસ્થિત નહી રહે. 2014ની લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ નરેન્દ્ર મોદી તેમનો શપથ ગ્રહણ સમારોહ ભવ્યાતિભવ્ય યોજવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે 2001, 2002 અને 2007માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ચુક્યા છે. હવે તેઓ ચોથી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.

નરેન્દ્ર મોદીની શપથવિધિ નિહાળો

English summary
Narendra Modi take oath today as Gujarat CM 4th time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X