Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પીએમ મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતાનગર ખાતે શાનદાર ઉજવણી કરાઈ હતી. અહીં પીએમ મોદીએ હાજર રહીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આવનારા ૨૫ વર્ષ ભારત માટે આ સદીના સૌથી મહત્વપૂર્ણ ૨૫ વર્ષ છે. આ ૨૫ વર્ષમાં આપણે ભારત દેશને વધુ સમૃદ્ધ અને વિકસિત દેશ બનાવવાની દિશામાં મક્કમ આયોજન કરવાના છે. અમૃતકાળમાં ભારતે ગુલામીની માનસિકતા છોડીને આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. આપણે વિકાસ પણ કરી રહ્યા છીએ અને દેશના સમૃદ્ધ વારસાનું જતન પણ કરી રહ્યા છીએ.

Statue of Unity

તેમણે ઉમેર્યું કે, આજે એવું કોઈ લક્ષ્ય નથી કે જે ભારત હાંસલ કરી ન શકે, એવો કોઈ સંકલ્પ નથી કે જે ભારતીયો સિદ્ધ ન કરી શકે. છેલ્લા નવ વર્ષમાં ભારત દેશે જોયું છે કે જો પ્રત્યેક વ્યક્તિ પ્રયત્નો કરે તો કશું જ અશક્ય નથી. સરદાર સાહેબની પ્રેરણાથી આપણે તમામ ઇચ્છિત લક્ષ્યો પાર પાડીશુ.

પીએમ મોદીએ જણાવ્યું કે, પ્રવર્તમાન અનેક વૈશ્વિક સંકટો વચ્ચે આપણા દેશની સીમાઓ સુરક્ષિત છે. ગર્વ છે કે આપણો દેશ આગામી સમયમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા જઈ રહ્યો છે. ગર્વ છે કે ભારત દેશ ચંદ્રની એ ધરી પર પહોંચ્યો છે જ્યાં આજ સુધી કોઈ દેશ હજુ પહોંચી શક્યો નથી. ગર્વ છે કે આત્મનિર્ભર ભારતમાં તેજસ ફાઇટર એરક્રાફટ અને ભારતીય નૌ સેના માટે વિક્રાંત પણ પોતાના દેશમાં તૈયાર થયુ છે. ગર્વ છે કે સ્પોર્ટ્સથી માંડીને વિશ્વમાં ટોચના સ્થાન પર ભારતીય છે.

તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ભારતના સંકલ્પની તાકાત, સૌ ભારતીયોની હિંમત-પ્રખરતા તેમજ ભારતીય નાગરિકોની જીજીવિષાને આદર અને વિશ્વાસથી જોઈ રહ્યું છે. એટલું જ નહિ, ભારતની અતુલ્ય અને અજોડ યાત્રામાંથી સમગ્ર વિશ્વ પ્રેરણા લઈ રહ્યું છે.

સરદાર સરોવર ડેમનું કામ પણ છ દશકાથી અટક્યું હતુ પરંતુ સૌના પ્રયાસથી આ કાર્ય પણ આપણે પૂર્ણ કર્યુ છે. છેલ્લા ૧૫ વર્ષ પહેલા કોઈએ પણ વિચાર્યું નહતુ કે એકતાનગરનો આવો વિકાસ થશે. સંકલ્પથી સિધ્ધિનું સૌથી મોટુ ઉદાહરણ એકતાનગર છે, તેમ તેમણે ઉમેર્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે, કોરોના અને તે બાદ વૈશ્વિક અસ્થિરતામાં પણ ભારત દેશ સતત પ્રગતિ કરતો રહ્યો છે. વિશ્વના અનેક દેશો બેરોજગારી તથા મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારતે જન શક્તિના સખત અને સતત પરિશ્રમથી વિકાસના નવા સોપાન સર કર્યા છે અને સમગ્ર વિશ્વમાં પરચમ લહેરાવ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૧૩.૫ કરોડ ગરીબો ઘટ્યા છે તેની ભૂમિકા આપતા પીએમ મોદીએ કહ્યું કે, ભારતને પ્રગતિ - સમૃદ્ધિના માર્ગ ઉપર અહર્નિશ આગળ વધી રહ્યું છે. ૧૪૦ કરોડ દેશવાસીઓના પરિશ્રમ અને પ્રયત્નથી આ મહાકાર્ય થઈ રહ્યું છે. હવે આ સ્થિરતા ઉપર આંચ ના આવવી જોઈએ. તો જ આપણે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશુ.

એકતાનગર ખાતે પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ તથા આકર્ષણની માહિતી આપતા તેમણે કહ્યું કે, એકતાનગર હવે ગ્લોબલ ગ્રીન વિલેજ સિટી તરીકે પ્રસ્થાપિત થયું છે. સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારીના અવસરો ઊભા થયા છે. અહીં આવીએ એટલે પ્રકૃતિને અનુરૂપ જીવન શૈલી અપનાવવાની પ્રેરણા મળે છે. મિશન લાઇફ માટે એકતાનગર વિચાર ઉદ્દીપક કેન્દ્ર છે. છેલ્લા છ માસમાં દોઢ લાખ વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિ સંરક્ષણનું કાર્ય થયું છે.

રાષ્ટ્રીય એકતાનું ગૌરવ ગાન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, દેશના યુવાનો અને જાંબજોનો ઉત્સાહ રાષ્ટ્રીય એકતા દિવસની સૌથી મોટી તાકાત છે. આજે અહીં એક તરફ લઘુ ભારતનું દર્શન થઇ રહ્યું છે. રાજ્ય, ભાષા, પરંપરા અલગ પરંતુ અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિ એકતાની મજબૂત દોરથી જોડાયેલો છે.

સરદાર સાહેબની આ ભવ્ય પ્રતિમા માત્ર પ્રતિમા નહી પણ તેમના જીવન અને એક ભારતના નિર્માણમાં તેમના યોગદાન થકી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની ઝાંખી કરાવે છે. તેનાં નિર્માણમાં દેશભરના ખેડૂતોએ લોખંડ અને એકતા દીવાલ માટે માટી આપીને પોતાનું યોગદાન આપ્યું તે સતત પ્રેરણા આપે છે.

વડાપ્રધાને ૧૪૦ દેશવાસીઓ વતી સરદાર સાહેબને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પણ કરીને રાષ્ટ્રીય એકતા દિવસની અભૂતપૂર્વ પરેડ નિહાળી હતી. એકતા દિવસના શપથ લેવડાવી વડાપ્રધાને ૧૯૬ કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યા હતા.

વડાપ્રધાને કેવડિયાથી અમદાવાદ સુધી ચાલનાર હેરીટેજ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને આરંભ ૫.૦ અંતર્ગત ૯૮માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કર્યા હતા.

એકતા અને અખંડિતતાનું પ્રતિક એવા સરદાર સાહેબની વિરાટ પ્રતિમા ઉપર સેનાના બે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં સી.આર.પી.એફ,આસામ,આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ,મહારાષ્ટ્ર પોલીસ, BSF, NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરરે ભાગ લીધો હતો. આ ઉપરાંત શ્રીનગર, સિલોંગ, કન્યાકુમારીથી એકતાનગર મોટર સાયકલ પર પહોચેલી સી.આર. પી.એફની મહિલા ડેર ડેવીલ્સ યશસ્વીનીએ માતૃભૂમિ પ્રત્યે જયઘોષ કર્યો હતો.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલી આ એકતા પરેડના કાર્યક્રમમાં પરેડ ઉપરાંત ભારત ચીન સરહદના દેશના પાંચ રાજ્યોના પાંચ વાયબ્રન્ટ વિલેજના ૧૦૦થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોના ૩૦ નૃત્યદળોના ૪૦૦ ઉપરાંત કલાકારોએ એક ભારત શ્રેષ્ઠ ભારતની અનુભૂતિ કરાવી હતી.

ભારતીય વાયુદળની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા રજૂ કરાયેલ હવાઈ કરતબોએ લોકોમાં અનોખો રોમાંચ જગાવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X