ઉનાળામાં નહીં મારવા પડે પાણી માટે વલખા, જાણો પાણીના જથ્થાની સ્થિતિ
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57 ટકાથી વધારે જળ સંગ્રહ છે, જેમાંથી ઉનાળની સીઝનમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે.
જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા વિગતો આપતાં કહ્યું હતું કે, ગત વર્ષે આ સમયે એટલે કે, તારીખ 07 એપ્રિલ 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 50.84 ટકા જળ સંગ્રહ હતો.
આ વર્ષે ઉનાળાની સિઝનમાં રાજ્યના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સુઝલામ સુફલામ્ જળ સંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કેચ ધ રેઈનના આહવાનને સાકાર કરવા ગુજરાતમાં કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.Oનો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જળસંચયનું આ મહાઅભિયાન તા. 4 એપ્રિલ થી 31 મે, 2025 સુધી સમગ્ર રાજ્યમાં યોજાશે.

મંત્રીએ વર્તમાનમાં રાજ્યમાં જળાશયોની સ્થિતિ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 61.95 ટકા પાણી ઉપલબ્ધ છે.
જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 62 ટકાથી વધુ જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56.21 ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 44.44 ટકા જળ સંગ્રહ, કચ્છના 20 જળાશયોમાં 41 ટકાથી વધુ અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 34.95 ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે.
જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, મોરબી ખાતે આવેલું મચ્છુ-૩ જળાશય હાલમાં પણ 100 ટકાથી વધુ ભરાયેલું છે.
જ્યારે 21 જળાશયો 70 થી 100 ટકા, 44 જળાશયો 50 થી 70 ટકાથી વધુ, 74 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે.
માત્ર 67 જળાશયો એવા છે, જેમાં 25 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં 2505, વણાકબોરી ડેમમાં 3700 તેમજ કડાણા ડેમમાં 1742 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.
ઉનાળા દરમિયાન રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવશે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
