ગાંધી જયંતિ નિમિત્તે એક તારીખ, એક કલાક મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે
Gandhi Jayanti 2023 : સમગ્ર દેશમાં 1 ઓક્ટોબરની સવારના 10 થી 11 એક કલાકના સમયગાળા દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે નવો ઇતિહાસ રચાશે. ગુજરાત રાજ્ય પણ આ ઐતિહાસિક કલાકમાં હરહંમેશની જેમ પોતાનો સિંહફાળો આપશે, તેમ ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભેલા સ્વચ્છ ભારત મિશનની જનભાગીદારી થકી ઐતિહાસિક ઉજવણી કરાશે.

મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના દરેક શહેર અને ગામડાઓમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાવવા સમગ્ર રાજ્યમાં 1 ઓક્ટોબરના રોજ એક તારીખ, એક કલાક સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના જનપ્રતિનિધિ ઓ અને રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ધાટલોડિયા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો એક કલાક માટે શ્રમદાન કરશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ રાજ્યના તમામ ગામડાઓમાં પણ વિવિધ પદાધિકારીઓની આગેવાની હેઠણ મહત્તમ લોક ભાગીદારી સાથે મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રમદાનનાં અંતમાં એકત્રિત થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સેગ્રીગેશન શેડ, MRF જેવા યોગ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે
પણ પૂર્વ આયોજન કરાયું છે. આ સંપૂર્ણ શ્રમદાન સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટ પહેલને પ્રોત્સાહિત કરશે. શ્રમદાન માટે સ્વચ્છતા હી સેવા પોર્ટલ પર સમગ્ર રાજ્યમાં 30,000 જેટલા કાર્યક્રમોની નોંધણી થઈ છે, જેમાં આશરે 25 લાખ જેટલા લોકો એક સાથે જોડાઈને એ સાથે શ્રમદાન કરશે.
મંત્રી પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને સ્વચ્છતાના જન આંદોલન થકી ઉજવવા સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને
શહેરી દ્વારા સંયુક્ત રીતે 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જે
અંતર્ગત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 29 સપ્ટેમ્બર સુધીમાં કુલ 1.24 લાખ જેટલી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં આશરે 2.54 કરોડ ગ્રામજનોએ ભાગ લીધો છે. આશરે એક લાખથી વધુ સંખીમંડળના 8.24 લાખ સભ્યોએ આજ સુધીમાં 20.87 લાખ કલાકનું શ્રમદાન
કર્યુ છે.
આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હેઠળ રાજ્યના અંદાજીત 11000 બ્લેક સ્પોટ ખાતે વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસના રોજ પણ રાજ્યના 14 મુખ્ય પ્રવાસન સ્થળોએ સાફસફાઈ કરી, Travel Life અભિયાન કાર્યરત
કરવામાં આવ્યું હતું, જેમાં 2000 થી વધુ ગ્રામજનો ભાગીદાર બન્યા હતા.
સ્વચ્છતા કામદારો અને સફાઇ મિત્રોની સુખાકારી નક્કી કરવા માટે 8000 થી વધુ આરોગ્ય તપાસ તથા શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શાળા-કોલેજોના 10.44 લાખથી વધુ વિધાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્વચ્છતા હી સેવા 2023 અભિયાન અંતર્ગત પ્રેરણારૂપી સંદેશ પાઠવી, સ્વચ્છતા અંગેની ઝુંબેશમાં
સક્રિય થઈ સહયોગ આપવા તેમજ સ્વચ્છ, સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે સમગ્ર રાજ્યના નાગરીકોને આ ભગીરથ કાર્યમાં
સહભાગી થવા આહવાન કર્યું હતું.












Click it and Unblock the Notifications
