ડિજિટલ છેતરપિંડીઃ 260 કરોડનું ફૂલેકું ફેરવી શાહ દંપતિ ફરાર
ડિજિટલ છેતરપિંડીઃ 260 કરોડનું ફૂલેકું ફેરવી શાહ દંપતિ ફરાર
આર્ચર કેર નામની વેબસાઇટ દ્વારા લોકોને મેમ્બર બનાવી રોજના નાણાં કમાવાની લાલચ આપી મેમ્બર બનાવી 260 કરોડથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. કંપનીના માલિક વિનય શાહ અને તેમના પત્ની લેટર બોંબ ફોડીને પલાયન થઇ ગયા છે. વિનય શાહે પોતાના 11 પેજના પત્રમાં પોલીસ અને મીડિયા પર પૈસા પડાવ્યા હોવાના આક્ષેપ કર્યા છે.

એકના ડબલ કરવાની લાલચમાં સપડાયા લોકો
આ અંગની વધુ વિગતો જોઇએ તો, અમદાવાદના થલતેજ વિસ્તારમાં આરોપી વિનય શાહ અને તેમના પત્ની ભાર્ગવી શાહે ઓફિસ ખોલીને 260 કરોડનું ફૂલેકુ ફેરવ્યું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના અનેક લોકો ભોગ બન્યા છે. આ ઠગ દંપતિએ થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન નામથી ઓફિસ ખોલી હતી. તેમણે એકના ડબલ કરવાની લાલચ આપી હતી. આરોપીઓએ ભાગતાં પહેલાં 11 પેજના પત્રમાં પોલીસ અધિકારીઓ અને મીડિયાને લાખો રૂપિયા ચુકવ્યા હોવાનો દાવો કર્યો છે.

એક લાખથી વધુ લોકો પાસેથી પડાવ્યા નાણાં
આ વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન-આર્ચર કેર ડીજી કંપનીએ એક વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની લોભામણી લાલચ આપી હતી. ઓનલાઈન જાહેરાત જોવાનું કહીને અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અંદાજે એક લાખ લોકો પાસેથી ડિપોઝીટ મેળવી હતી અને લોકોના ખાતામાં પૈસા જમા ન થતા લોકો ઓફિસે દોડી ગયા હતા. જોકે ત્યાંથી તો વિનય શાહ ફરાર થઇ ગયો હતો. જ્યારે પાલડી ખાતેના નિવાસ સ્થાને પણ ખંભાતી તાળું જોવા મળ્યુ હતું. ત્યાર બાદ છેતરપિંડીનો ભોગ બનેલા લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં પહોંચ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

આવી રીતે કર્યું ફ્રોડ
આરોપીઓએ આર્ચર કેર ડોટ નેટ અને આર્ચર કેર ડોટ ઓઆરજી નામની બે પેટા કંપની ખોલી હતી.આ કંપનીમાં લોકોને ઓનલાઇન વેબસાઇટ દ્વારા મેમ્બર બનાવવામાં આવતા હતાં અને તેમની પાસેથી વિવિધ સ્કીમ દ્વારા નાણાં ડિપોઝીટ તરીકે લેવામાં આવતાં હતાં. દરેક મેમ્બરને આઈડી અને પાસવર્ડ આપવામાં આવતા હતા. આ આઈડી ખોલી તેમને માત્ર જાહેરાત જોવાનું કામ હતું અને જે મેમ્બર જાહેરાત જુએ તેમના એકાઉન્ટમાં નાણાં જમા થતાં હતાં. આ આઈડી મેળવવા માટે 4500, 9500 અને 25000ની સ્કીમ લેવી ફરજીયાત હતી. આ ઉપરાંત નવા મેમ્બર જોડનારના એકાઉન્ટમાં 10 ટકા લેખે કમિશન પણ આપવામાં આવતું હતું. હાલમાં આરોપી દંપતિ લેટરબોંબ લખીને ફરાર થઇ ગયા છે.

ખાસ યુવા વર્ગ બન્યો છેતરપિંડીનો ભોગ
ગાંધીનગરના અનેક નાના મોટા કર્મચારીઓએ આ ધંધામાં એકના ડબલ કરવાની લાલચે નાણાં રોક્યા હતાં તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કોલેજ કે નોકરીની તૈયારી કરતાં યુવાનોએ બે પૈસા રળવાની લાલચમાં પૈસા રોક્યા હતા. તેમને પણ પોતાના નાણાં ગુમાવવાની નોબત આવી છે.












Click it and Unblock the Notifications
