ગુજરાતની 6 કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ શરૂ કરાશે
કુલ છ યુનિવર્સિટીઓમાં 'પ્રાકૃતિક ખેતી' સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ દાખલ કરી શકાશે.
ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ સરદાર કૃષિ નગર, દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત યુનિવર્સિટી એમ કુલ છ યુનિવર્સિટીઓમાં 'પ્રાકૃતિક ખેતી' સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ દાખલ કરી શકાશે. ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને નીતિ આયોગના સલાહકાર ડૉ. નીલમ પટેલ, યુનિવર્સિટીઝના કુલપતિઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતોની ઉચ્ચકક્ષાની બેઠકમાં પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

પ્રાકૃતિક કૃષિનો કોલેજ કક્ષાનો આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ આંતરમનથી ઊંડું ચિંતન કરીને ભારે પરિશ્રમ કર્યો છે. આ અભ્યાસક્રમમાં પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધીના તમામ વિષયોનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક કિસાનોના વિસ્તૃત અનુભવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભોનો પણ આધાર લેવામાં આવ્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓને જણાવ્યું હતું કે, અધિકમાં અધિક ઉત્પાદન આપી શકે તેવા ભારતીય બિયારણોને વધારે ઉત્કૃષ્ટ બનાવીને યુનિવર્સિટી કક્ષાએ તેનુ સંરક્ષણ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પર પી.એચ.ડી. કરવા માટે વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. કારણ કે, આવનારું ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે. આવનારા સમયમાં વિશ્વ કક્ષાએ પ્રાકૃતિક ખેતીના અભ્યાસની આવશ્યકતા ઉભી થશે ત્યારે ભારત આખી દુનિયાને પ્રેરણા આપી શકે એવું કામ ગાંધીનગરના રાજભવનમાં થયું છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ પ્રાકૃતિક ખેતીના મિશનમાં નેતૃત્વ કરે એવું તેમણે આહવાન કર્યું હતું.
દેશભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર પ્રાકૃતિક ખેતીને કૃષિ યુનિવર્સિટીઓ અને અન્ય વિશ્વવિદ્યાલયોમાં પાઠ્યક્રમમાં સામેલ કરવા માટે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) ડૉ. નીલમ પટેલની અધ્યક્ષતામાં સાત સભ્યોની એક વિશેષજ્ઞ સમિતિનું ફેબ્રુઆરી-૨૦૨૨ માં ગઠન કરવામાં આવ્યું હતું. પાંચ મહિના દરમિયાન આ સમિતિએ ગુજરાતના રાજભવનમાં અનેક બેઠકો કરી, ઓનલાઈન મીટીંગો કરી હતી. ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના કિસાનો સાથે મુલાકાતો કરી. એટલું જ નહીં, અન્ય દેશોના અભ્યાસક્રમોનો પણ વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. આ સમિતિએ અનેક સંશોધનો પછી તૈયાર કરેલો અભ્યાસક્રમ ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓને મોકલવામાં આવ્યો હતો. તમામ વિષય નિષ્ણાતોએ આ અભ્યાસક્રમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તેને આખરી ઓપ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
