'લવ મેરેજ માટે અનિવાર્ય થશે માં-બાપની મંજુરી?' આ રાજ્યની સરકાર લાવી શકે છે કાયદો
અત્યાર સુધી આપણે એવા સમાચાર સાંભળવા અને જોતા આવ્યા છીએ કે જ્યારે માતા-પિતા લગ્ન માટે રાજી ન થતા કપલ મંદિર કે કોર્ટમાં જઈને લગ્ન કરી લેતા હોય છે. આવા કિસ્સાઓમાં ઘણીવાર જાતિ અથવા ધર્મ લગ્નમાં સૌથી મોટો અવરોધ બની જાય છે.
હવે ગુજરાત સરકાર તેની સામે કાયદો લાવવાનું વિચારી રહી છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, રાજ્ય સરકાર એ વાતનો અભ્યાસ કરી રહી છે કે શું બંધારણીય રીતે એવી વ્યવસ્થા ઊભી કરવી શક્ય છે કે જેમાં પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત હોય.

ગુજરાતના પાટીદાર સમુદાયના કેટલાક વર્ગોએ પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાની માગણી કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર તરફથી આ નિવેદન આવ્યું છે. ગુજરાત સરકાર માટે આ મુદ્દો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે કારણ કે રાજ્યના રાજકારણમાં પાટીદાર સમાજનું આગવું સ્થાન છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2021માં ગુજરાત સરકારે રાજ્યના ધર્મ સ્વતંત્રતા કાયદામાં ફેરફાર કર્યા હતા, જે અંતર્ગત લગ્ન દ્વારા બળજબરીથી અથવા કપટથી ધર્માંતરણ કરનારને સજા આપવામાં આવશે.
આવા કિસ્સાઓમાં લગ્ન કરનાર છોકરો અને છોકરી પુખ્ત હોય તો પણ સરકાર હસ્તક્ષેપ કરી શકે છે. જોકે, આ કાયદામાં માતા-પિતાની સંમતિ અંગે કોઈ ચોક્કસ જોગવાઈ નથી.
ભારતમાં લગ્નની કાયદેસર ઉંમર છોકરાઓ માટે 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ છે. જો કોઈ છોકરો અને છોકરી મેજર હોય અને પોતાની મરજીથી લગ્ન કરવા માંગતા હોય, તો એવી કોઈ જોગવાઈ નથી કે જે માતાપિતાની મંજૂરી લેવી ફરજિયાત બનાવે.












Click it and Unblock the Notifications
