National Unity Day 2025: સરદાર પટેલની આજે 150મી જન્મજયંતિ, PM મોદીએ દેશને લેવડાવ્યા એકતાના શપથ
National Unity Day 2025: ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે આજે (31 ઓક્ટોબર) દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને આ અવસર પર દેશવાસીઓને એકતાના શપથ લેવડાવ્યા હતા.

PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે:
"સરદાર પટેલ સંપૂર્ણપણે જનસેવા માટે સમર્પિત હતા. તેઓ એકતા અને અખંડિતતાના પ્રતીક હતા અને તેમને રાષ્ટ્રની એકતાના શિલ્પી કહી શકાય."
PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતાનો પાયો નાખ્યો, નાના સ્વતંત્ર પ્રાંતોને એક કરીને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કર્યું. તેમનું યોગદાન દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે.
એકતા નગરમાં પ્રજાસત્તાક દિવસ જેવી 'મુવિંગ પરેડ'
કેવડિયાના એકતા નગરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ 'મુવિંગ પરેડ'નું આયોજન થયું.
- સહભાગી ટુકડીઓ: આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB સહિત કુલ 16 કન્ટીજન્ટ્સ (ટુકડીઓ) સહભાગી થયા હતા, જેમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોની ટુકડીઓનો સમાવેશ થાય છે.
- સન્માન: ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં આ પરેડમાં જોડાયા હતા.
- સાંસ્કૃતિક પ્રસ્તુતિ: ગુજરાતની બે શાળા દ્વારા ઢોલ, નગારા અને કરતાલ જેવા પ્રાચીન વાદ્યોનો ઉપયોગ કરીને વંદે માતરમના સૂર રેલાવવામાં આવ્યા હતા, જેનાથી આખું એકતા નગર ગુંજી ઉઠ્યું હતું.
હરિયાણામાં 'રન ફોર યુનિટી'
હરિયાણાના ફતેહાબાદમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ 'રન ફોર યુનિટી'ને લીલી ઝંડી આપી હતી અને ભાગ લેનારાઓ પર ફૂલોનો વરસાદ કર્યો હતો.












Click it and Unblock the Notifications
