• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીના હસ્તે રૂ. ૧૬૪ કરોડના ૧૧ શૈક્ષણિક વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના રૂ. ૧૬૪ કરોડના ૧૧ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યનું સર્વસમાવેશક વિકાસનું મોડલ આજે દેશનાં અન્ય રાજ્યો માટે પથપ્રદર્શક બની રહ્યું છે. દેશનાં વિવિધ રાજ્યોને એકબીજાનાં વિકાસ મોડલને અપનાવીને વિકસિત રાષ્ટ્રનિર્માણ માટેની દિશામાં કાર્ય કરવા રાષ્ટ્રપતિએ અનુરોધ કર્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દેશના મહિલા આંતરપ્રિન્યોર્સ માટે herSTART પ્લેટફોર્મનું લોન્ચિંગ કરતા જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત ૪૫૦ જેટલા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ દ્વારા અનેક લોકોને રોજગારી મળી રહી છે. જેમાં વિશેષપણે ઉધોગ સાહસિક મહિલાઓ પ્રેરિત ૧૨૫ જેટલા સ્ટાર્ટઅપ્સ મહિલાઓમાં રહેલી સાહસિકતા અને નવોન્મેષ વિચારોને નવી દિશા આપી રહ્યાં છે. જેના પરિણામે સરકારી અને ખાનગી ઉપક્રમથી તેમને જોડાવામાં મદદ મળી રહી છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી દેશભરમાં શરૂ થયેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામના પરિણામે વર્ષ ૨૦૨૨ ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષ(GII)માં ભારત ૮૧ મા સ્થાનથી ૪૦મા સ્થાને પહોંચ્યું છે.

રાજ્યમાં વનબંધુ કલ્યાણ યોજના તેમજ એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ, કન્યા નિવાસી શાળાઓ કાર્યરત બનતાં આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટ દર ઘટ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાષ્ટ્રીય શિક્ષા નીતિ - ૨૦૨૦ ભારતને સુપર પાવર બનાવવાની દિશામાં પહેલ છે. વિજ્ઞાન અને વિજ્ઞાન ક્ષેત્રે નવોન્મેષ સંશોધન જ શિક્ષિત ભારતથી શ્રેષ્ઠ ભારત નિર્માણમાં મદદરૂપ બનશે તેવો મત રાષ્ટ્રપતિ એ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અને તેનાથી મળેલાં પરિણામોને તેમણે બિરદાવ્યા હતા. આ પ્રસંગે તેમણે રાજ્યમાં ડ્રોપઆઉટ દરમાં થયેલા ઘટાડા, તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા રાજ્યની ૫૫ હજારથી વધુ શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પર રીયલ ટાઇમ મોનટરીંગ કરવામાં આવી રહેલી કામગીરીની પ્રસંશા કરી હતી. તેમણે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ દ્વારા રાજ્યની ૨૦ હજાર જેટલી સ્કૂલોની માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવાના પ્રોજેક્ટની પણ સરાહના કરી હતી.

રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને નવીન ઊર્જા અને દિશા આપવાના હેતુથી ગરિમા સેલની રચના કરનારું ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ હોવાનું તેમણે ગૌરવપૂર્ણ જણાવ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે જણાવ્યું કે, આજે આપણા સૌ માટે આનંદની વાત છે કે, ભારતના રાષ્ટ્રપતિ ના હસ્તે વિવિધ શૈક્ષણિક પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયા છે. આવા અનેક પ્રકલ્પોના લોકાર્પણ અને શિલાન્યાસ થકી ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે ભારતમાં સ્ટાર્ટઅપની વાતને મજાક ગણતા હતા અને બુલેટ ટ્રેનની વાતને પણ કોઈ માનવા તૈયાર નહોતું. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આ બધું જ સાકાર થયું છે, એ આપના સૌ માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના એકેક બાળક, યુવાનો અને નાગરિકોની ક્ષમતાને ઓળખીને આ તમામ પ્રોજેક્ટ સાકાર કર્યા છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળની ડબલ એન્જિનની સરકાર ડબલ સ્પિરિટ અને ડબલ સ્પીડ સાથે વિકાસ કાર્યો કરી રહી છે. સ્ટાર્ટઅપ યોજના અને મુદ્રા યોજનાના પરિણામે રાજ્યના યુવાનોના નવોન્મેષ વિચારોને નવી રાહ મળી છે. મુદ્રા યોજના અંતર્ગત ૧.૧૦ લાખ લોકોને રુ.૬૬ હજારની લોન સહાય આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા યુવાનોના ઇનોવેટિવ વિચારોને વેગ આપવા માટે SSIP 2.O અંતર્ગત રૂ. ૫૦૦ કરોડની ફાળવણી કરીને ન્યૂએજ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે.

રાજ્યમાં ૧૪ હજારથી વધુ સ્ટાર્ટઅપ સફળતાપૂર્ણ કાર્યરત છે જેના પરિણામે જ છેલ્લાં ત્રણ વર્ષમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકેનો એવોર્ડ મળ્યો હોવાનું મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં ૩૦ વર્ષના અંતરાલ બાદ લાગુ કરાયેલ નવી શિક્ષણ નીતિ એક ભારત શ્રેષ્ઠ ભારત નિર્માણની રાહ ચીંધે છે, તેમ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.

રાજ્યના આદિવાસી સમુદાયને વિકાસની મુખ્યધારામાં જોડવા માટે શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ વિકાસ કાર્યોની ભેટ રાજ્ય સરકારે આપી હોવાનું જણાવી બે દાયકા અગાઉ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં એક પણ વિજ્ઞાનની શાળા ન હતી, જે આજે ૧૦૨ જેટલી નિવાસી અને મોડલ શાળાઓ કાર્યરત બની હોવાનું તેમણે કહ્યું હતું. રાજ્યમાં ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ એકલવ્ય આદર્શ નિવાસી શાળા તેમજ ૧૪૮૦૦ જેટલી કન્યાઓ કન્યા નિવાસી શાળામાં અભ્યાસ કરીને શ્રેષ્ઠ શિક્ષણ મેળવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત કાળમાં શિક્ષણ, આરોગ્ય, આદિજાતિ વિકાસમાં જેવા વિવિધ વિકાસ ક્ષેત્રોમાં શ્રેષ્ઠત્તમ વિકાસ કરવા સરકાર કૃતસંકલ્પ હોવાનું આ પ્રસંગે ઉમેર્યું હતું.

રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુજીના હસ્તે આજરોજ રાજ્યને રૂ. ૧૬૪ કરોડના ૧૧ શૈક્ષણિક વિકાસ પ્રકલ્પોની ભેટ મળી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સમારંભ પહેલાં ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં ઉધોગ સાહસિકો મહિલાઓ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ સમારંભમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, નિમિષાબેન સુથાર, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે. હૈદર, ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર એમ. નાગરાજન, આદિજાતિ વિકાસ કમિશ્નર દિલીપ રાણા, તેમજ કુલપતિઓ, પ્રાધ્યાપકો, આંત્રપ્રિન્યોર તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

English summary
President Draupadi Murmu interacted with women at Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X