ગુજરાત સાથે 45 વર્ષ જૂનો સંબંધ છે: રાષ્ટ્રપતિ કોવિંદ
ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિએ જશદણ ખાતે ઘેલા સેમનાથની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ રાજકોટમાં સૌની યોજનાના 2જા તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો.
દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ હાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસના બીજા દિવસે તેમણે સૌપ્રથમ જશદણ નજીક આવેલ ઘેલા સોમનાથના મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં પૂજા-અર્ચના દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ પણ તેમની સાથે મંદિરમાં હાજર રહ્યા હતા. ત્યાર બાદ રામ નાથ કોવિંદે રાજકોટ ખાતે સૌની યોજનાની લિંક-4 બીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો.

રાજકોટ ખાતે સભાનું સંબોધન કરતાં રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે, ગુજરાત મારું બીજું ઘર છે, ગુજરાત સાથે મારે 45 વર્ષ જૂનો સંબંધ છે. અહીંના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. મેં આજે શંકર ભગવાનના મંદિરે દર્શન કર્યા એનાથી મને ધન્યતાની લાગણી અનુભવાય છે. મેં ભગવાન શંકરને ગુજરાતના લોકોને પાણી અને સમૃદ્ધિ મળી એવી પ્રાર્થના કરી હતી. ગુજરાત સરકાર જળ સંસાધનનો પૂરતો ઉપયોગ કરી રહી છે.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રવિવારે બપોરે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઇ તેઓ મહેસાણા પહોંચ્યા હતા. મહેસાણા ખાતે જૈન મંદિરની મુલાકાત લઇ તેઓ રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા. સોમવારે સાંજે રાજકોટથી જ તેઓ હવાઇ માર્ગે દિલ્હી જવા રવાના થશે.












Click it and Unblock the Notifications
