વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા.
નરેન્દ્ર મોદીએ આજે સવારે ચીખલા હેલીપેડ પર ઉતરાણ કરી અંબાજી મંદિર સુધી બાયરોડ આવતા આ રૂટ પર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું.

અંબાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર એવા શક્તિદ્વાર પાસે વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સંગઠનના હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ અંબાજીની સ્વચ્છતા સાથે મંદિરના ચાચર ચોકની સુંદર સજાવટ કરવામાં આવી છે તથા મંદિરને અલગ અલગ પ્રકારના રંગ બેરંગી ફુલોથી શણગારીને સુશોભિત કરવામાં આવ્યું છે. મંદિરના ચાચર ચોકમાં ભજન મંડળી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે.
આ પ્રસંગે અહીં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભા સાંસદ બાબુ દેસાઈ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
