લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી 26 જુલાઈએ ગુજરાત આવશે
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આગામી 26 જુલાઈ, શુક્રવારના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની આ મુલાકાતનો મુખ્ય હેતુ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ અને રોડમેપ તૈયાર કરવાનો રહેશે.

રાહુલ ગાંધીના આ પ્રવાસને લઈને ગુજરાત કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ છે. નેતાઓ અને કાર્યકરોમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને નવા જોમનો સંચાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તેમની આ મુલાકાત દરમિયાન તેઓ પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો સાથે બેઠકો યોજીને ગુજરાતની રાજકીય સ્થિતિ અને પક્ષના સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચાવિચારણા કરશે.
માનવામાં આવે છે કે, આ બેઠકોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેની પક્ષની વ્યૂહરચના, સંગઠનાત્મક માળખામાં સુધારા, અને જનસંપર્ક અભિયાન જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ 2027ની ચૂંટણીમાં મજબૂત દેખાવ કરવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી રહ્યો છે અને રાહુલ ગાંધીનો આ પ્રવાસ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.












Click it and Unblock the Notifications
