અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદે રમઝટ બોલાવી
અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદે રમઝટ બોલાવી
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. આજે ગીર સોમનાથ અને આજુબાજુના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ આવ્યો છે. આ ઉપરાંત અમરેલીના રાજૂલા જિલ્લામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. જેને પગલે રસ્તાઓ પર પાણી વહેતાં શરૂ થઈ ગયાં હતાં. જાફરાબાદ, પીપાવાવ વગેરે કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 7 દિવસથી વરસાદ પડી રહ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો. કોડીનારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં પણ મેઘ મહેર થઈ છે. કાનાતળાવ, હાથસણી ગામમાં પણ વરસાદ પડ્યો છે.
વરસાદ પડતાં જ નાગરિકોને ગરમીમાંથી રાહત મળી છે અને પ્રકૃતિ પણ જાણે ખીલી ઉઠી છે. ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની એન્ટ્રી થતાં ગુજરાતના ખેડૂતો પણ હરખાયા છે.
નવસારી અને જલાલપૂરમાં પણ ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રે 12 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં જલાલપોર અને નવસારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 6 કલાકમાં જ જલાલપોર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકક્યો. નવસારી તાલુકામાં 6 કલવાકમાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો છે.
ભારતીય હવામાન વિભાગે 13 અને 14 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરીને વલસાડના કપરાડામાં દિવસ દરમિયાન 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આ વખતે ગુજરાતમાં 103 ટકાથી 105 ટકા સુધી વરસાદ પડી શકે છે.












Click it and Unblock the Notifications
