ઉપલેટા ખાતે રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
૭૫મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તેમજ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

મંત્રી રાધવજી પટેલે ઉપલેટા ખાતે પ્રજાજનોને ગણ તંત્ર દિવસની શુભેચ્છા પાઠવી સ્વાતંત્ર્યવીરોને સ્મરણાંજલિ આપીને મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ડૉ. બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને ઉદબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. નવા સ્વતંત્ર ભારતના નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પરિણામલક્ષી અભિગમથી વિકાસના નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે.
વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી દુનિયાભરના રોકાણકારોનું માનીતું સ્થળ ગુજરાત બન્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, મેરી મિટ્ટી મેરા દેશ, સેવા સેતુ, સ્વાગત ફરિયાદ જેવા કાર્યક્રમો થકી ઠેર ઠેર લોકસેવાના કામો અસરકારક રીતે થઈ રહ્યા છે.
મંત્રીશ્રીએ છેલ્લા એક દાયકામાં રાજ્ય કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વક સિદ્ધિઓ હાંસલ કરી હોવાનું તેમજ કૃષિ વિકાસ દર સતત વધતો હોવાનું ગૌરવપૂર્વક જણાવ્યું હતું. તેઓશ્રીએ સૌની યોજના, વિધવા સહાય યોજના, આયુષ્માન ભારત, આવાસ યોજના સહિતની લોક કલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓ રજૂ કરી હતી.
મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાના વિકાસ કામો વિશે રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે, એઈમ્સ હોસ્પિટલ, હીરાસર પાસેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અનેક ફ્લાય ઓવર બ્રીજ, આધુનિક બસપોર્ટ સહિતની અનેક માળખાકીય સુવિધાઓ વિકસી છે. ઈમીટેશન અને ઓટોમોબાઇલ ઉદ્યોગ, હેરિટેજ ઇમારતોથી ગૌરવવંતા રાજકોટ જિલ્લાનો વિકાસ વધુ વેગવાન બનાવાશે.
પ્રજાસતાક પર્વ નિમિત્તે યોજાયેલ પરેડમાં પરેડ કમાન્ડરશ્રી ડી.કે.પટેલની આગેવાની હેઠળ કુલ ૭ પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી અને મંત્રીશ્રીએ તેમની સલામી ઝીલી હતી. પરેડમાં બે પુરુષ પ્લાટુન, એક મહિલા પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, જી.આર.ડી., એસ.પી.સી., બેન્ડ પ્લાટુને ભાગ લીધો હતો.












Click it and Unblock the Notifications
