RTE માં કોઇ એજેન્ટ અંગે માહિતી મળે તો વોટ્સએપ નંબર પર ફરિયાદ કરવા કર્યો અનુરોધ
રાજ્ય સરકાર દ્વારા RTE એક્ટ, ૨૦૦૯ આરટીઈ એક્ટ, ૨૦૦૯ હેઠળ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય છે. હાલ આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે માટે તા.૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે એમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.

ઘણા જિલ્લાઓમાં ગરીબ વાલીઓને મનગમતી શાળામાં પ્રવેશ આપવાના નામે પૈસા પડાવતા એજન્ટો સક્રિય હોવાનું રાજ્ય સરકારના ધ્યાને આવ્યું છે. આવા બોગસ એજન્ટો દ્વારા ખોટા પુરાવાઓ તૈયાર કરવાની લાલચ આપવામાં આવે છે. આથી જાહેર જનતાને આવી ભ્રામક જાહેરાતો કે લોભ-લાલચમાં ફસાયા વિના કોઈપણ પ્રકારના નાણાંની લેવડદેવડ નહી કરવા તેમજ આવા કોઈ એજન્ટો આસપાસ જણાય તો તાત્કાલિક સંબંધિત જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી અથવા વોટ્સએપ હેલ્પલાઈન નં. ૭૦૪૬૦૨૧૦૨૨ પર તાત્કાલિક ફરિયાદ કરવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે.
સરકાર આવા એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. આ સિવાય જો કોઇ વાલી દ્વારા ખોટા પુરાવા રજૂ કરવામાં આવશે અને ચકાસણી કરતાં તે પુરાવા ખોટા સાબિત થશે તો તેવા વાલીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા સરકારને ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા RTE એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) અન્વયે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં વિનામૂલ્યે નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. વર્ષ ૨૦૧૭-૧૮થી RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયા વેબપોર્ટલના માધ્યમથી ઓનલાઈન કરવામાં આવી છે. વાલીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી તમામ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવામાં આવે છે. તેમજ રાજ્ય સરકારના તા. ૦૪/૦૮/૨૦૨૦ના ઠરાવ મુજબ અગ્રતા કેટેગરી પ્રમાણે જ સંપૂર્ણ પારદર્શક રીતે પ્રવેશ ઓનલાઈન જ આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ટેકનૉલૉજી આધારિત હોઈ તેમાં કોઇપણ વ્યકિત દ્વારા દખલગીરી શક્ય નથી.












Click it and Unblock the Notifications
