રાજ્યમાં સુધરશે રોડ-રસ્તાની સ્થિતિ, સરકારે ફાળવ્યા 100 કરોડ રૂપિયા
Gujarat Government: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિસરફેસિંગ તથા રીપેરિંગ માટે કુલ રૂપિયા 100 કરોડની રકમ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના નગરો-શહેરોમાં વસવાટ કરતાં લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે તેમજ ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય એવો જનહિત ઉદ્દેશ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણા ફાળવણીમાં રાખ્યો છે.
રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે શહેરો, નગરોના રસ્તાઓને થયેલું નુકસાન દુરસ્ત કરવા નગરપાલિકાઓ પોતાનું આગોતરું આયોજન અત્યારથી જ હાથ ધરી શકે, તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણા ફાળવણી એડવાન્સમાં કરવાનો અભિગમ અપનાવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે શરૂ કરવામાં આવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણા ફાળવ્યા છે.

આ અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 2024-25ના વર્ષ માટે શહેરી વિકાસ વિભાગે 400 કરોડ રૂપિયાની ગ્રાન્ટની જોગવાઈઓ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 157 નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરિંગ-રિસરફેસિંગની કામગીરી ચોમાસું પૂરું થયે વહેલી તકે શરૂ થઈ શકે અને નાગરિકોને ત્વરાએ સારા સુવિધા યુક્ત માર્ગો ઉપલબ્ધ બને તે માટે નગરપાલિકાઓની કેટેગરી મુજબ કુલ 100 કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે.
આ અનુસાર અ વર્ગની 22 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 1 કરોડની, બ વર્ગની 30 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂપિયા 80 લાખ, ક વર્ગની 60 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 60 લાખ અને ડ વર્ગની 45 નગરપાલિકાઓને પાલિકા દીઠ રૂપિયા 40 લાખની સૂચિત ફાળવણી માર્ગોની મરામત વગેરે કામો માટે કરાશે.
આ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ 2023-24 સુધીમાં નગરપાલિકાઓને માર્ગ મરામત અને સુવિધાયુક્ત માર્ગો માટે કુલ 810.95 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવેલી છે.












Click it and Unblock the Notifications
