પાલનપુરમાં અનોખી પહેલ, સેનેટરી પેડ પરબની શરૂઆત કરાઈ
ગુજરાતમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહેલા પાલનપુરના જાણીતા કલા શિક્ષક નયન ચત્રારિયાએ એક અનોખી પહેલ કરી છે.
છેલ્લાં ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ દીકરીઓને મફત સેનેટરી પેડ્સનું વિતરણ કરીને ગુજરાતના પેડમેન તરીકે ઓળખાતા નયનભાઈએ પોતાના જન્મદિવસે 'સેનેટરી પેડ પરબની શરૂઆત કરી છે. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારની આ પહેલી જ ઘટના છે.

આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે કોઈ દીકરીને અચાનક સેનેટરી પેડની જરૂર પડે ત્યારે તે કોઈપણ જાતના સંકોચ કે શરમ વગર આ પરબમાંથી મફતમાં પેડ મેળવી શકે.
આ સુવિધા જાહેર સ્થળોએ ઉપલબ્ધ કરાવીને નયનભાઈએ મહિલાઓના સ્વાસ્થ્યને લગતા વિષયો પર ખુલ્લેઆમ ચર્ચા કરવાની અને સમાજમાં સ્ત્રીઓને જરૂરી સુવિધા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
નયન ચત્રારિયા છેલ્લાં ત્રણ વર્ષથી ૧૦ થી ૧૪ વર્ષની ઉંમરની દીકરીઓ માટે કામ કરી રહ્યા છે. તેમણે ઉત્તર ગુજરાતના ૪૭૬ ગામડાંની મુલાકાત લઈને ૭૬,૧૨૩ દીકરીઓને ૩.૮ લાખથી વધુ સેનેટરી પેડ્સનું મફત વિતરણ કર્યું છે. આ આંકડા તેમના સમર્પણ અને સેવાભાવનાની સાબિતી આપે છે.
આ પ્રેરણાદાયક પહેલને સ્થાનિક લોકો અને શૈક્ષણિક ક્ષેત્રમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે. નયનભાઈએ ભવિષ્યમાં આ અભિયાનને ગુજરાતના અન્ય શહેરો અને ગામડાં સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે.
પાલનપુરમાં શરૂ થયેલી આ સેનેટરી પેડ પરબ માત્ર એક સેવા નથી, પરંતુ મહિલાઓના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સન્માન માટેની એક ક્રાંતિ છે. આશા છે કે આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક બનશે અને સમગ્ર ગુજરાતમાં ફેલાશે.












Click it and Unblock the Notifications
