Gujarat Weather: નવા વર્ષે માવઠાની આફત! સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: આજે ગુજરાતી નવા વર્ષની ઉજવણી વચ્ચે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગ તેમજ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી
આજથી ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતના હવામાનમાં ફેરફાર આવશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય પશ્ચિમી ક્ષેત્રમાં ટ્રફ લાઇન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે.
વરસાદની આગાહી પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં બનેલી એક 'વેલ માર્ક લો પ્રેશન સિસ્ટમ' છે, જે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને વધુ મજબૂત થવાની સંભાવના છે. આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ પર જોવા મળશે.
રાજ્યમાં વરસાદની આગાહી
22, 23, અને 24 ઓક્ટોબર: તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
25 ઓક્ટોબર: આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
26 અને 27 ઓક્ટોબર: આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ રહેશે.
તેમણે મોટી આગાહી કરતા કહ્યું કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત થવાના કારણે 4 નવેમ્બર સુધીમાં 'ભરશિયાળે ચોમાસા જેવો માહોલ' સર્જાશે. આ સમયગાળામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે, ઓક્ટોબરના અંતમાં પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળશે.












Click it and Unblock the Notifications
