ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ભાદરવી પૂનમના પરંપરાગત મેળાનો પ્રારંભ
અંબાજીમાં જિલ્લા કલેકટર અને ચુંદડીવાળા માતા દ્વારા આજે આ મેળો ખુલ્લો મુકાયો છે.આ મેળામાં અઠવાડિયામાં કુલ 25 લાખથી વધુ પદયાત્રિકો ઊમટી પડવાની શક્યતા છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન 15 કલાક મંદિર ખુલ્લું રહેશે. સલામતીમાં કોઇ કચાશ રહે નહીં તેના માટે ભાદરવી પૂનમના મેળામાં સાત દિવસના મેળા દરમિયાન જગત જનની જગદંબાના દર્શનાર્થે આવનાર પદયાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે.

સુરતના પલસાણામાં લઠ્ઠાકાંડમાં મોતનો આંક વધ્યો
સુરતના પલસાણાના વરેલી ગામે શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. જેમાં કુલ મૃત્યુઆંક 16 એ પહોંચી ગયો છે. જ્યારે વધુ બે વ્યક્તિની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને લઈને લોકોમાં રોષ છે. ગઈકાલે ગ્રામપંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરી પોલીસની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. તો બીજી બાજુ વિપક્ષ જિલ્લા કોંગ્રેસે 48 કલાકનું અલ્ટીમેટમ આપી જનતા રેડ કરવા અંગે મામલતદારને આવેદન આપ્યું હતું.

અમદાવાદના રખિયાલમાં બે જૂથોએ સામ સામે કર્યો પથ્થરમારો
અમદાવાદના રખિયાલ ચાર રસ્તા પર ગઈ મોડી રાતે બે જૂથો વચ્ચે મથ્થરમારો થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોગણી માતાના મંદિર પાસે આ પથ્થરમારો થયો હતો. જેમાં સીસીટવી ફૂટેજ સામે આવ્યા છે. કેટલાંક તોફાની ટોળાએ પથ્થરમારા દરમિયાન ગાડીના કાચ પણ તોડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો.

આનંદીબેન સોમનાથના ટ્રસ્ટી બને તેવી ચર્ચા
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ગઇકાલે સુરતથી સીધા દિલ્હી પહોંચતા ગુજરાતમાં અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી. અને આનંદીબહેન પટેલને સોમનાથ મંદિરના ટ્રસ્ટી બનાવાય તેવી અટકળોએ વેગ પકડ્યો છે.

દિલ્હી ખાતે પીએમની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની મીટીંગ થઇ
આજે પીએમ હાઉસમાં સાંજે ચાર વાગ્યે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી રહી છે. તેમાં આનંદીબહેન પટેલ પણ હાજર રહે તેવી શકયતા છે. તદ્ઉપરાંત સોમનાથ ટ્રસ્ટમાં એક ટ્રસ્ટીની જગ્યા પણ ખાલી પડી છે ત્યારે આનંદીબહેન પટેલનો સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સમાવેશ થાય તેવી અટકળોને વેગ મળી ગયો છે.

મોરબીમાં પ્રેમિકાની હત્યા કરી હાથમાં રાઈફલ પકડાવી
જિલ્લાના માળિયા મિંયાણાના નવાગામની સીમમાં શુક્રવારે પ્રેમીએ પ્રેમિકાની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ તેણે પોતાના લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રેમી હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં છે. તે બેભાન હોવાથી હત્યા શા માટે કરી તેનું રહસ્ય હજી ખૂલ્યું નથી. પોલીસ માટે પણ આ ઘટના એક કોયડા જેવી બની છે કારણ કે યુવતીની લાશના હાથમાં રાઈફલ પકડેલી હતી. જેણે રહસ્ય ઊભું કર્યું હતું.












Click it and Unblock the Notifications
