26મીએ રચાશે 7 નવા જિલ્લા અને 22 નવા તાલુકા

રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીએ તેમની વિકાસ યાત્રા દરમિયાન લોકોને સુવિધા રહે અને ભૌગોલિક અંતરના કારણે વહીવટી કામો માટે તકલીફો ભોગવવી ના પડે તે માટે વિવિધ જિલ્લા અને તાલુકાની જાહેરાત કરી હતી.
શરુઆત 17થી થઈ હતી
બૃહદ મુંબઈમાંથી પૃથક ગુજરાતની સ્થાપના 1લી મે, 1960ના રોજ થઈ હતી. 17 જિલ્લાઓની સાથે ગુજરાત સ્થાપિત થયુ હતું. 1લી મે, 1960ના રોજ ગુજરાતના જિલ્લાઓની સંખ્યા 17 હતી. આ જિલ્લાઓ હતાં અમદાવાદ, ભરૂચ, અમરેલી, બનાસકાંઠા, ડાંગ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, રાજકોટ, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, સુરેન્દ્રનગર અને સૂરત.
ગાંધીનગર પ્રથમ નવો જિલ્લો
ગુજરાતમાં નવા જિલ્લાની રચનાની શરુઆત સૌપ્રથમ ગાંધીનગર સાથે થઈ. એટલે કે ગાંધીનગર ગુજરાતમાં નવો બનનાર પ્રથમ જિલ્લો હતો. સને 1964માં મહેસાણા અને અમદાવાદના કેટલાંક ભાગોને મેળવીને ગુજરાતના 18મા ગાંધીનગર જિલ્લાની રચના કરવામાં આવી. ત્યાર બાદ 1966માં સૂરતમાંથી વલસાડ નામના 19મા જિલ્લાની રચના કરવામાં આવી.
વાઘેલાએ કર્યાં મોટા ફેરફાર
સને 1997માં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જિલ્લાઓની પુનર્રચના બાબતે મોટા ફેરફાર કર્યા હતાં. વાઘેલા એક સાથે છ જિલ્લાઓની રચના કરી હતી. તેમાં આણંદ, દાહોદ, પાટણ, નવસારી, પોરબંદર અને નર્મદાનો સમાવેશ થાય છે. આ સાથે જ ગુજરાતના જિલ્લાઓની સંખ્યા વધીને 25 થઈ ગઈ હતી.
મોદીએ 14 વર્ષ બાદ ફરી કરી શરુઆત
વાઘેલા પછી ચૌદ વર્ષ બાદ એટલે કે 2010માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીથી જિલ્લાઓની પુનર્રચના શરૂ કરી. મોદીએ બે વર્ષ અગાઉ નવા તાપી જિલ્લાની રચના કરી હતી. તાપી ગુજરાતનો 26મો જિલ્લો બન્યો હતો. બે વર્ષ પછી એટલે કે 1લી મે, 2012ના રોજ જૂનાગઢમાં યોજાયેલ રાજ્ય સ્થાપના દિવસ સમારંભમાં મુખ્યમંત્રીએ 27મા જિલ્લા તરીકે ગીર-સોમનાથની જાહેરાત કરી હતી. તે પછી વિવેકાનંદ યાત્રા દરમિયાન મોદીએ તાજેતરમાં જ છોટા ઉદેપુર, અરાવલી, બોટાદ, દ્વારકા, મહીસાગર જિલ્લાઓની રચનાની જાહેરાત કરી છે. આ સાથે જ 17 જિલ્લાઓથી શરૂ થયેલું ગુજરાત 32 જિલ્લાઓ સુધી પહોંચી જવાનું છે.












Click it and Unblock the Notifications
