કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત
દુનિયાભરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ BA.3.2 ઝડપથી ફેલાઈ રહ્યો છે, જે અત્યાર સુધીમાં અમેરિકા સહિત 22 દેશોમાં જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકો આ નવા વેરિઅન્ટમાં થયેલા અસામાન્ય ફેરફારોને જોઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જે જાહેર આરોગ્ય માટે નવો પડકાર બની શકે છે.
આ વેરિઅન્ટને સંશોધકોએ 'સિકાડા' નામ આપ્યું છે, જે લાંબા સમય બાદ ફરી સક્રિય થયો છે. નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકામાં દેખાયા બાદ તે ગાયબ થયો હતો, પરંતુ 2026ની શરૂઆતમાં તેના કેસમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે.

'સિકાડા' વેરિઅન્ટમાં અંદાજે 70 થી 75 જેટલા મ્યુટેશન જોવા મળ્યા છે, જે અગાઉના વેરિઅન્ટ કરતા બમણા છે. ખાસ કરીને વાયરસના સ્પાઈક પ્રોટીનમાં થયેલા આ ફેરફારો તેને માનવ કોષોમાં સરળતાથી પ્રવેશવા અને એન્ટિબોડીઝને છેતરવામાં મદદ કરે છે.
નિષ્ણાતોના મતે, આટલા મોટા પાયે થયેલા પરિવર્તનોને કારણે વર્તમાન રસીઓ અને જૂના ચેપથી મળેલી સુરક્ષા ઓછી અસરકારક સાબિત થઈ શકે છે. આ સ્થિતિ માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ સામે સીધો અને મોટો પડકાર ઉભો કરી રહી છે.
રાહતની વાત એ છે કે અત્યાર સુધીના ડેટા મુજબ આ વેરિઅન્ટ અગાઉના વાયરસ જેટલો ઘાતક સાબિત થયો નથી. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં કોઈ મોટો વધારો ન થવો એ સામાન્ય જનતા માટે આશ્વાસન આપનારા સમાચાર છે.
વૈજ્ઞાનિક તપાસમાં પુષ્ટિ થઈ છે કે BA.3.2 વેરિઅન્ટમાં રોગપ્રતિકારક શક્તિથી બચવાની અદભૂત ક્ષમતા છે. જોકે, તેનો એકંદર પ્રભાવ હજુ મર્યાદિત હોવાનું મનાય છે, છતાં તેને સંપૂર્ણ સમજવા માટે વિશ્વ સ્તરે વધુ ડેટાની જરૂર છે.
લક્ષણોની વાત કરીએ તો, 'સિકાડા' વેરિઅન્ટમાં ઓમિક્રોન જેવા જ ચિહ્નો જોવા મળે છે, જેમાં ગળાનો દુખાવો મુખ્ય છે. આ સિવાય દર્દીઓમાં હળવો તાવ, શરદી, સૂકી ઉધરસ, ભારે થાક અને નાક વહેવા જેવી સમસ્યાઓ પણ જોવા મળી રહી છે.
સીડીસીના રિપોર્ટ અનુસાર, આ વખતે કેટલાક દર્દીઓમાં ઉબકા અને ઝાડા જેવા પાચનતંત્રને લગતા નવા લક્ષણો પણ દેખાયા છે. આ સૂચવે છે કે આ વેરિઅન્ટ સર્વેલન્સમાં પકડાય તે પહેલા જ ચોક્કસ સ્તરે લોકોમાં ફેલાઈ રહ્યો હતો.
અમેરિકામાં આ વેરિઅન્ટનો પ્રથમ કેસ જૂન 2025માં સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર નેધરલેન્ડથી આવેલા એક મુસાફરમાં મળ્યો હતો. ત્યારબાદ એરપોર્ટ સ્ક્રીનિંગ અને ગટરના પાણીના ટેસ્ટિંગ દ્વારા ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 વચ્ચે વધુ કેસ નોંધાયા છે.












Click it and Unblock the Notifications
