For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive : તો 13મી પહિંદ વિધિ વડાપ્રધાન કરશે?

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 10 જુલાઈ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં 136મી જગન્નાથ રથયાત્રાનો પહિંદ વિધિ કરી પ્રારંભ કરાવ્યો. પહિંદ વિધિ તો 1989થી સતત તત્કાલીન મુખ્યમંત્રીઓ કરતાં જ આવ્યાં છે. તેમાં મોદીએ નવું શું કર્યું? પરંતુ સૌ જાણે જ છે કે મોદી જે કરે તે કંઇક અનોખું જ હોય અને પહિંદ વિધિ કરી મોદીએ પોતાના નામે નોંધાયેલ અનોખો રેકૉર્ડ વધુ પાક્કો કરી નાંખ્યો છે.

નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિરમાંથી સવારે સાત વાગ્યે ભગવાન જગન્નાથના રથની પહિંદ વિધિ કરી અને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ મોદીએ સતત 12મી વખત પહિંદ વિધિ કરી છે અને પોતાની રીતે આ એક અનોખો રેકૉર્ડ છે કે જે ગુજરાતમાં બીજા મુખ્યમંત્રીઓ નોંધાવી શક્યાં નથી.

narendramodi-rathyatra

ખેર, આ ચર્ચા તો હવે ગૌણ થઈ ગઈ છે. હવે ચર્ચાની એરણે કોઈ વિષય હોઈ શકે, તો તે 2014માં નિકળનારી જગન્નાથ રથયાત્રામાં થનારી પહિંદ વિધિનો છે. પરમ્પરાગત રીતે જોઇએ તો 2014માં નિકળનારી રથયાત્રા વખતે પણ મુખ્યમંત્રી જ પહિંદ વિધિ કરશે અને લોકશાહી રીતે જોઇએ, તો 2012માં મોદીને 2017 સુધી મુખ્યમંત્રી તરીકે રહેવાનો જનાદેશ મળ્યો છે એટલે સ્વાભાવિક છે કે આવતા વર્ષે તેઓ જ સતત 13મી વખત પહિંદ વિધિ કરીને પોતાના આ રેકૉર્ડને વધુ મજબૂત કરશે.

પરંતુ... પરંતુ... પરંતુ... આમ છતાં છેલ્લા કેટલાંક મહીનાઓથી ચાલતા રાજકીય ઘટનાક્રમો જોતાં અનાયાસે આ પ્રશ્ન ઊભો થાય છે કે 137મી રથયાત્રામાં કોણ પહિંદ વિધિ કરશે? શું મુખ્યમંત્રી જ પહિંદ વિધિ કરશે? શું તે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ હશે કે જેઓ સતત 13મી વખત પહિંદ વિધિ કરશે? આ પ્રશ્નો ઊભા થવાનું મુખ્ય કારણ પણ પોતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ છે. છેલ્લા છ માસ એટલે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 બાદ નરેન્દ્ર મોદીની ગતિ જે રીતે રાષ્ટ્રીય રાજકારણ તરફ શરૂ થઈ છે, તે જોતાં અને તેમને ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2014 માટેની પ્રચાર ઝુંબેશ સમિતિના પ્રમુખની જવાબદારી સોંપાઈ, તે જોતાં સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી 2014ની લોકસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યાં છે.

રાજકીય ક્ષેત્રે ભલે હાલ તેવી જાહેરાત નથી થઈ કે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને રજૂ કરવામાં આવશે, પરંતુ સૌ જાણે જ છે કે ભાજપનો ઇરાદો એ જ છે. હવે જો ભાજપ દ્વારા મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે અને લોકસભા ચૂંટણી 2014માં ભાજપ સાચે જ સરકાર બનાવવાની પરિસ્થિતિમાં આવી જાય, એટલું જ નહીં નરેન્દ્ર મોદી જ જો વડાપ્રધાન બને, તો પછી સ્પષ્ટ છે કે જગન્નાથ રથયાત્રા 2014ની પહિંદ વિધિને લઈને અટકળો લગાવી શકાય.

પરમ્પરાગત રીતે જોતાં તો પહિંદ વિધિ રાજ્યના મુખ્યમંત્રી કરતાં આવ્યાં છે. 1989માં પ્રથમ વાર તે વખતના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પહિંદ વિધિ કરી અને આ પરમ્પરા હેઠળ જ મોદીએ આજે પહિંદ વિધિ કરી, પરંતુ જો તેઓ 2014માં વડાપ્રધાન પદ શોભાવે, તો શું તે વખતની પહિંદ વિધિ ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી (જે કોઈ હોય) તે કરશે? કે પછી રેકૉર્ડ્સ નોંધાવવાનો રેકૉર્ડ ધરાવતાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે પ્રથમ વાર અને વ્યક્તિગત રીતે સતત 13મી વાર પહિંદ વિધિ કરવાં દિલ્હીથી અમદાવાદ આવશે?

ખેર, આજે જગન્નાથજીનો દિવસ છે એટલે તેમના અંગે થોડી ચિંતા થઈ આવવી સ્વાભાવિક છે. એટલે જ આ પ્રશ્ન ઊભો કર્યો છે. નરેન્દ્ર મોદી એમેય મુખ્યમંત્રી ન હોવા છતાં પણ અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં સક્રિય ભાગ લેતાં આવ્યાં છે અને જ્યારથી મુખ્યમંત્રી બન્યાં છે, ત્યારથી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ખાસ ભગવાનના દર્શન માટે જગન્નાથ મંદિર જાય છે. કદાચ આ વખતે નરેન્દ્ર મોદીએ કંઇક આવા જ સુખદ ભવિષ્યની કામના કરી હશે.

English summary
Gujarat Chief Minister Narendra Modi performed his '12th Pahind Vidhi' for the 136th Rathyatra of Lord Jagannath. If Modi become Prime Minister of India after Loksabha Election 2014, than who will be perform Pahind Vidhi In Rathyatra-2014 or will modi perform his 13th Pahind Vidhi as personally and 1st as a Pm?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X