આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ મળશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પર્યાવરણીય પહેલ
ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 74મા વન મહોત્સવનો પંચમહાલનાં જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતાં રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેટ વન કવચ લોકાર્પણથી આપી છે.
રાજ્યની આબોહવા અને માટીની ફળદ્રુપતા ધ્યાનમાં રાખીને વૃક્ષોનાં વાવેતર દ્વારા આવા વન કવચ વિકસાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેરણા આપેલી છે. આ સંદર્ભમાં રાજ્યનાં વન વિભાગે તૈયાર કરેલા બીજા વન કવચનું 74મા વન મહોત્સવ પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વન કવચ 1.1 હેક્ટર વિસ્તારમાં 11000 રોપાઓનાં ઊછેર સાથે નિર્માણ પામ્યું છે.

આ સાથે સાથે વન કવચની વિશેષતા છે કે, વિવિધ છોડની 100 જેટલી પ્રજાતિઓ અહીં વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવી છે, તેની સાથે બીજી 100 જેટલી પ્રજાતિઓ કુદરતી રીતે આપોઆપ ઉગી નીકળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વન કવચનાં લોકાર્પણ સાથે દેવભુમિ-દ્વારિકા જિલ્લામાં હરસિદ્ધમાતા તીર્થ ક્ષેત્ર ખાતે નિર્માણ થનારા રાજ્યનાં 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધ વનનું ઈ-ખાતમૂહુર્ત પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવનારી પેઢીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા તેમજ શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે પર્યાવરણ સાથે સંતુલન જાળવીને ગ્રીન ગ્રોથથી વિકાસનું આહ્વાન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણ સાથે સમન્વગય સાધીને વિકાસનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો છે. મિશન લાઈફ અન્વયે આપણા રોજબરોજનાં જીવનમાં પર્યાવરણ જાળવણી, જમીન અને માનવી બંનેનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા પ્રાકૃતિક ખેતીનો નવતર વિચાર જેવા અભિગમોથી વડાપ્રધાનશ્રીએ સ્વાસ્થ્યપ્રદ જીવનનો માર્ગ બતાવ્યો છે.
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમગ્ર દુનિયા આજે ગ્લોબલ વોર્મિંગનાં સંકટ સામે ઝઝૂમી રહી છે, ત્યારે આપણાં વિઝનરી નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમસ્યાનાં સમાધાન માટે પહેલેથી જ આયોજન કરીને ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જન વિભાગની રચના કરી ગ્લોબલ વોર્મિંગના સંકટ સામે તારણોપાય શોધ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારે પણ 'વન કવચ' દ્વારા ગ્રીન કવર વધારવાનો અને ખુલ્લી જમીનમાં વૃક્ષ વાવેતરનો સફળ સેવાયજ્ઞ ઉપાડ્યો છે. આના પરિણામે મોટાપાયે વૃક્ષોનો ઊછેર થતાં માત્ર માનવ સૃષ્ટી જ નહિં પરંતુ પશુ પક્ષીઓને પણ શુદ્ધ વાતાવરણ મળી રહેશે. આ વર્ષે વન-મહોત્સવ અન્વયે 10.40 કરોડ રોપાઓનાં વિતરણની તેમજ રાજ્યનાં બધાં જ જિલ્લાઓમાં 100 હેક્ટર વિસ્તારમાં 85 સ્થળોએ વન કવચ વિકસાવવાની કામગીરીની ભૂમિકા તેમણે આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રન મોદીએ દેશનાં અમૃતકાળમાં જે પાંચ સંકલ્પો આપ્યાં છે, તેમાનો એક સંકલ્પ વિકસિત ભારતનાં નિર્માણનો છે. વિકસિત ભારતનું નિર્માણ આવનારી પેઢીને શુદ્ધ હવા-પાણી અને પ્રદૂષણ મુક્ત જીવન આપીને જ થઈ શકે.
મુખ્યમંત્રીએ પર્યાવરણ પ્રિય ગ્રીન-ક્લીન ગુજરાત, વિકસીત ગુજરાતથી વિકસીત ભારત માટે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરને સઘન બનાવવા જનશક્તિ અને સમાજશક્તિને આ તકે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રન પટેલે વનમંત્રી મૂળુ બેરા, રાજ્યમંત્રી મૂકેશ પટેલ, પંચમહાલ જિલ્લા પ્રભારી અને શિક્ષણ તથા આદિજાતી વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોર તેમજ જિલ્લાનાં ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ક્રોકોડાઈલ રેસ્ક્યુ સેન્ટભર પાવાગઢ, કાકજ એનિમલ કેર સેન્ટશર પાલીતાણા, વરુ સોફ્ટ રીલીઝ સેન્ટયર નડાબેટનાં ઈ-લોકાર્પણ તેમજ દિપડા વસ્તી ગણતરી પુસ્તિકા વિમોચન અને સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને સહાય લાભ ચેક વિતરણ કર્યા હતા.
વન અને પર્યાવરણનાં અગ્ર સચિવશ્રી સંજીવ કુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ચતુર્વેદી સહિત વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રનાં અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો આ 74મા વન મહોત્સવનાં પ્રારંભ અવસરમાં જોડાયા હતા.












Click it and Unblock the Notifications
