છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં કૃષિ ક્ષેત્રનો થયો અભૂતપૂર્વ વિકાસ
પંચાયત રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યપાલ, ગુજરાતના 15મી વિધાનસભાના ચોથા સત્રમાં સભાગૃહ સમક્ષ રજૂ કરેલા અમુલ્ય સંબોધન બદલ મને વક્તવ્ય રજૂ કરવાની જે તક મળી છે, એ ગૌરવવંતા પ્રસંગ બદલ ગૃહના નેતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
પંચાયત રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, મારા પંચાયત વિભાગની તથા રાજ્ય સરકારની કામગીરીને જે-જે સભ્યોએ બિરદાવી છે, સૂચનો કર્યા છે, સમર્થન આપ્યું છે, એવા રચનાત્મક સૂચનોને હું આવકારૂ છું તથા આ તબક્કે ચર્ચામાં ભાગ લેનાર તમામ સભ્યોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
પંચાયતીરાજને વધુ ઉર્જાવાન બનાવવી એ અમારી સરકારની નેમ છે. જે અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ પંચાયત વિભાગ ખૂબ જ ઉમદા કામગીરી કરી રહેલ છે.

સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે. આઝાદી કા અમૃત મહોત્સવ એ દેશના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની યાદમાં ઉજવવામાં આવેલ આપણી દેશ વ્યાપી અને લોક કેન્દ્રીત પહેલ હતી. બે વર્ષથી વધુ એવા આ સમયગાળામાં રેકોર્ડ બ્રેકિંગ જનભાગીદારી જોવા મળી છે.
ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બે લાખથી વધુ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ભારતની સ્વતંત્રતા પછીના ઈતિહાસમાં આ એક અનોખો અને સૌથી મોટી ઉજવણીનો પ્રયાસ છે. જેમાં માતૃભૂમિને શ્રદ્ધાંજલિ આપવા મીટ્ટી કો નમન અને આપણા હયાત બહાદુરો અને દેશ માટે અંતિમ બલિદાન આપનાર વીરોના પરિવારજનોના સન્માન માટે વીરો કા વંદન હેઠળ 20 લાખથી વધુ કાર્યક્રમો યોજાયા.
રાજ્યમાં સ્થાનિક બહાદુરોની બલિદાનની ભાવનાને સલામ કરતી 15136 સ્મારક તક્તીઓ-શિલા ફલકમ ઉભી કરવામાં આવી. આશા વૃદ્ધિ અને અવિરતપણાની શાબ્દિક અને રૂપકાત્મક રીતે નવી કથાઓનું સર્જન કરવા વસુધા વંદન હેઠળ રાજ્યમાં 16336 અમૃતવાટીકાઓ બનાવી વૃક્ષારોપણની પહેલ હાથ ધરવામાં આવી. ભારતભરના ઘરોમાંથી માટીનો સંગ્રહ કરી સ્થાનિક સંસ્થાઓના સ્થળેથી ઘરોમાંથી એકત્ર કરાયેલ માટીનુ મિશ્રણ- અમૃત કળશ તૈયાર કરી ગુજરાતની ભૂમિભક્તિને 308 અમૃતકળશ મારફત 800 યુવાઓ દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવેલ. તેમાંથી દિલ્હી ખાતે અમૃતવાટીકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં પ્રથમવાર આપણી સરકાર દ્વારા આઝાદીના ગૌરવપ્રદ ઇતિહાસને બિરદાવવામાં આવી રહ્યો છે.
ગુજરાતે અમૃતકાળમાં અમૃત બજેટ બનાવીને વિકસિત નવભારતના નિર્માણ માટે યુવા શક્તિના વિકાસને પ્રાથમિકતા આપી છે. આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે કરેલા અથાગ પ્રયત્નોને પરિણામે અને રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા છે. ગુજરાતમાં જેમ-જેમ રોકાણો આવતા રહ્યા તેમ-તેમ દરેક ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલતા ગયા.
રોકાણો અને ઉદ્યોગો વધતા ગુજરાતના યુવાનોને ઉદ્યોગ સાહસિકતા પણ વધી છે. આ સહસિકતાને આર્થિક પીઠબળ પુરૂ પાડી તેમના સપનાઓને પાંખો આપવાનું કામ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અભૂતપૂર્વ રીતે કરી રહી છે. આજે આપણું ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે.
રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગારી મળી રહે તે માટે સમયાંતરે રાજ્યમાં ભરતી મેળાનું આયોજન થાય છે. હાલ સુધીમાં 866 ઔદ્યોગિક ભરતી મેળાના આયોજનથી 84554 ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા અસંગઠિત શ્રમ યોગીઓનો પણ વિચાર કરી ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમ યોગીઓની નોંધણી માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ડિસેમ્બર-2023 સુધીમાં કુલ 1 કરોડ 14 લાખ ઉપરાંત અસંગઠીત શ્રમ યોગીઓની નોંધણી કરવામાં આવેલ છે.
વધુમાં બાંધકામ શ્રમિકોને તેઓના કામકાજના નજીકના સ્થળે ઉત્કૃષ્ઠ અને પરવડે તેવા પાયાની મૂળભૂત સુવિધાઓ સાથેના સસ્તા ભાડાના કામ ચલાઉ આવાસો મળી રહે તથા બાંધકામ શ્રમ યોગીઓના જીવન સ્તરમાં વધારો થાય તે હેતુથી શ્રમિક બસેરા યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અનેકવિધ નિતિઓ, યોજનાઓ, વહિવટી પ્રતિબદ્ધતા અને સેવાનું સરળીકરણ જેવા સામાન્ય જનતાને અસર કરે તેવા અનેક અસરકારક નિર્ણાયક નિર્ણયો લઈને નિતિ અને નિયમોમાં ફેરફાર કર્યા છે. નવી શિક્ષા નિતિ-2020 દ્વારા શિક્ષણનું રિવોલ્યુશન કઈ રીતે થઈ શકે તેનું વિઝન આપણા દેશને આપ્યુ છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અન્વયે શૈક્ષણિક વર્ષ 2023-24થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટીકાનો ફરજિયાત સાર્વત્રિક અમલ શરૂ કરવામાં આવેલ છે. જેમાં રાજ્યમાં કુલ 516621 વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ મેળવેલ છે. રાજ્યમાં સામાજીક અને આર્થિકક્ષેત્રોમાં યુનિવર્સીટીઝની સહભાગિતા સુનિશ્ચિત થાય તે માટે ગુજરાત પબ્લીક યુનિવર્સીટી એક્ટ-2023નો અમલ કરાવવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓના પ્રવેશ, પરિણામ અને રોજગાર સુધીની સર્વ માહિતી મેળવવાના મુખ્ય ઉદ્દેશથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની ક્ષમતામાં વધારો થાય તે હેતુથી આપણી સરકાર દ્વારા સામર્થ્ય યોજના શરૂ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત વિદ્યાર્થીઓના ફીના ભારણને ઘટાડવા માટે સામર્થ્ય સંસ્થાન યોજના અંતર્ગત ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ- GCAS શરૂ કરવામાં આવેલ છે.
આપણે જાણીએ છીએ કે, ગરીબ પરિવારમાંથી પરિવારનો કોઇ સભ્ય બીમાર પડે અને તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે, તો પરિવાર ઉપર જાણે આભ તુટી પડે. તેવા સમયે ગુજરાત સરકાર પરિવારના પડખે ઉભી રહી છે, આપણા ગુજરાતમાં નાગરીકોને સારાવારને શ્રેષ્ઠ સુવિધા મળે અને તેઓ નિરોગી બને તે અમારી સરકારની કટિબદ્ધતા છે. વિશ્વના સૌથી મોટા આરોગ્ય વિમા કવચ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને ગુજરાતની મા યોજનાનું સંકલન થતાં ગુજરાતના ગરીબ અને મદયમવર્ગીય પરિવારોની આરોગ્ય વિષયક ચિંતા દુર થઇ જવા પામી છે.
લોકોના આરોગ્ય માટે સુરક્ષાકવચ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા પીએમજેએવાયમાં યોજના હેઠળ પ્રતિ વર્ષ કુટુંબદીઠ રૂપિયા 10.00 લાખ સુધીની 2471 નિયત કરેલા પ્રોસિઝર માટેનું આરોગ્ય કવચ પુરૂ પાડવામાં આવે છે. આ યોજના હેઠળ હાલ સુધીમાં કુલ 2.33 કરોડ લાભાર્થીઓની નોંધણી કરીને આયુષ્માન કાર્ડ આપેલ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ થકી રાજ્યમાં લોકોની આરોગ્ય સુખાકારી હેલ્થ અને વેલનેસ બન્ને દ્રષ્ટીકોણો સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર ઉપચારાત્મક અને નિવારણ, એમ બન્ને પ્રકારની સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. આ ઉપરાંત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષમાં 1.32 કરોડથી વધુ બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. આમ, આપણી સરકાર દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના વિવિધ સુચકાંકો પૈકી સારૂ સ્વાસ્થ્ય અને સુખાકારીના ગોલને હાંસલ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં ગુજરાતમાં દેશ-વિદેશના અનેક પ્રમુખો, રાજદ્વારીઓ, વિવિધ દેશોના પ્રતિનિધિઓ, પાર્ટનર ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીનું શાનદાર આયોજન થયેલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003માં પ્રથમ સમિટથી તેની શરૂઆત કરવામાં આવેલ હતી, અમૃતકાળની આ સમિટમાં 35 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. જેમાં વિવિધ દેશોના વડાઓ સહિત 40થી વધારે મંત્રીઓ, 140થી વધુ દેશોના 61000થી વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા.
આ સમિટમાં કુલ 131943 રજિસ્ટ્રેશન થયા હતા, જેમાં 3590 વિદેશી પ્રતિનિધિઓ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટ તથા દેશના સૌથી મોટા ટ્રેડ શૉનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ સમિટની 10મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત@2047ને સાકાર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં દ્રષ્ટિવંત નેતૃત્વ અને પરિણામલક્ષી આયોજનના કારણે ગુજરાત રોકાણકારોનું માનીતું સ્થળ બન્યું છે.
સવાયા ગુજરાતના પનોતા પુત્રોને યાદ કરીએ ત્યારે હર્ષની લાગણીનો અનુભવ થાય. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાગુજરાત ચળવળના પ્રણેતા પૂજ્ય રવિશંકર મહારાજ અને મહાન ગુજરાત અસ્મિતાના શિલ્પી ઇન્દુલાલ યાજ્ઞિક આ તમામ મહાન વિભૂતિઓ કે જેમણે અર્થપૂર્ણ, લાયક, દૂરંદેશી, ભવ્ય સાંસ્કૃતિક ગુજરાત આપણી સમક્ષ મૂક્યું છે. વંદન છે, આ મહાન વિભૂતિઓને, ગુજરાતનો વિકાસ આપણા મહાત્મા ગાંધીજીએ જોયેલ વિઝન પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું સબળ અને સફળ નેતૃત્વ રહ્યું છે.
ગાંધીજીના શબ્દોમાં કહું તો વિકાસ ફક્ત આજ માટે નહીં પણ ભવિષ્યની વાત હોય છે. જેમણે ગુજરાતને આગવી ઓળખ પ્રદાન કરી છે એવા રાજ્યના પનોતા પુત્ર, તત્કાલિન મુખ્યમંત્રી અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યા વિના ગુજરાતના વિકાસની વાત અધુરી લાગે છે. પ્રધાનમંત્રીશ્રીએ વિકાસની યાત્રાને પ્રબળ બનાવી છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે કલ્યાણની યાત્રા તથા સૌના વિકાસની યાત્રા. સરકારી યોજનાઓ થકી લોક કલ્યાણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર કટીબદ્ધતાપૂર્વક નિરંતર કાર્ય કરી રહી છે.
લોકોમાં જન કલ્યાણકારી યોજનાઓ માટે જાગૃતિ આવે તે હેતુથી સમગ્ર ભારત દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે ગામના લોકોને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, દીન દયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી કિશાન સમ્માન યોજના, પ્રધાનમંત્રી પોષણ અભિયાન, હર ઘર જલ-જલ જીવન મિશન, જનધન યોજના જેવી ૧૭ યોજનાઓનો કરોડો લોકોને લાભ મળ્યો છે.
વિકસિત ભારત સંકલ્પ યોજના અંતર્ગત અનુસૂચિત આદિજાતિ વિસ્તારોમાં સિકલ સેલ એનીમીયા નાબુદી, એકલવ્ય મોડલ સ્કુલમાં નોંધણી, શિષ્યવૃત્તિ યોજનાઓ, વન અધિકાર અને વન ધન વિકાસ કેન્દ્રની વધારાની યોજનાઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવેલ છે.
પંચાયતી રાજ મંત્રાલયની પહેલ રૂપે 2023ના સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે 17 સસ્ટેનેબલ ડેવલેપમેન્ટ ગોલને 9 વ્યાપક થીમમાં એકીકૃત કરવામાં આવેલ છે. પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા આ 9 થીમ આધારીત સ્થાનિક ધ્યેયો પર કામગીરી કરવા પંચાયત સ્થળે વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી અને તેમની પ્રગતિનું મુલ્યાંકન અને સિદ્ધિ માટે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના નેતૃત્વ હેઠળ સબંધિત તમામ કેન્દ્રીય મંત્રાલયો સાથે સંકલન સાધી પંચાયત વિકાસ સૂચકાંક (PDI) ની રચના કરવામાં આવેલ છે. જેમાં ગ્રામ પંચાયત સ્તરેથી તથ્ય આધારિત મૂલ્યાંકન/આયોજન થવાથી ગ્રામ વિકાસના કામોની ગુણવત્તામાં સુધારો થશે.
પંચાયત વિકાસ સુચકાંકએ પંચાયતોની પ્રગતિનું રિપોર્ટ કાર્ડ બનવાની સાથે દરેક વિભાગોને ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે ખૂબ ઉપયોગી માધ્યમ બની રહેશે.
સરકાર દ્વારા પંચાયત વિકાસ સૂચકાંક (PDI) માટે રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ગવર્નિંગ બોડીની રચના કરવામાં આવેલ છે. પંચાયત વિકાસ સૂચકાંક (PDI) ઉપલબ્ધ ડેટા, સબંધિત તમામ વિભાગો માટે આગામી આયોજન, યોજનાઓના અમલીકરણ અને દેખરેખ માટે એક મજબુત આધાર તરીકે કામ કરશે.
ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી ગુજરાત સરકાર દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. રાજયની ત્રિસ્તરીય પંચાયતીરાજની સંસ્થાઓ જેવી કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને ઇન્ટરનેટના માધ્યમથી રાજયના સચિવાલય સાથે સાંકળી પંચાયતીરાજની સંસ્થાઓનું સુદ્દઢીકરણ કરવાનું આયોજન ધ્યાને લઇ વર્ષ 2007-08માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનની અધ્યક્ષતામાં ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની રચના કરવામાં આવેલ. હાલ રાજયમાં કુલ 14181 ઇ-ગ્રામ સેન્ટર કાર્યરત છે.
ઇ-ગ્રામ સેન્ટર ઉપર G2C પ્રકારની ૩૨૧ સેવાઓ અને B2C પ્રકારની ૫૫ સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે જન્મ અને મરણનો દાખલો, વિધવા સહાયનો દાખલો, રેશનકાર્ડ, મા-કાર્ડ વગેરેને લગતી કામગીરી, ટેકાના ભાવે વિવિધ કૃષિ પેદાશોની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઇન નોંધણી, 7/12, 8-અ ના ઉતારા, કરવેરા ભર્યાની પહોંચ, વીજળી/ગેસ બીલ કલેકશન, નોકરી માટેના ઓનલાઇન અરજીપત્રો વિવિધ ફોર્મ્સ, ધોરણ-10 અને 12ના રિઝલ્ટ, આવકનો દાખલો, વિવિધ સેવાઓ માટેના સોગંદનામાં ગ્રામ કોમ્પ્યુટર સાહસિક દ્વારા આધાર ઇનેબલ પેમેન્ટ, મની ટ્રાન્સફર, રિચાર્જ, ટ્રાવેલ ટિકિટ, ઇન્સ્યુરન્સ સેવાઓ, મ્યુચ્યુલ ફંડ જેવી B2C સેવાઓ પુરી પાડવામાં આવી રહેલ છે.
આમ, રાજ્ય સરકારની વિવિધ સેવાઓ તેમજ વાણિજ્યિક સેવાઓ ગ્રામજનોને ગ્રામ્ય કક્ષાએથી મળવાને કારણે તેઓના સમય અને નાણાંનો બચાવ થાય છે, અને ગ્રામ્ય કક્ષાએ શહેરી વિસ્તાર જેવી જ સેવાઓ મળી રહે છે.
ભારત સરકાર દ્વારા ડિજિટલ સેવા સેતુની જેમ ગ્રામજનોને ગામમાં જ ઇ-સેવાઓ મળી રહે તે હેતુથી કોમન સર્વિસ સેન્ટર યોજના દેશમાં લાગુ કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજ્ય દ્વારા અગાઉથી જ ઇ-ગ્રામ યોજના શરૂ કરેલ હોઇ તેની નોંધ લઇ ભારત સરકાર દ્વારા તારીખ 4 ફેબ્રુઆરી 2010થી તમામ ઇ-ગ્રામ સેન્ટરને કોમન સર્વિસ સેન્ટર જાહેર કરવામાં આવેલ છે.
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી વિકાસને વરેલી આ સરકાર ડિજિટલ ઇન્ડિયા દ્વારા ડિજિટલ સેવાસેતુ થકી આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા સાકાર કરી ગુજરાત દેશનું દિશાનિર્દેશક બની રહેલ છે.
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણનો એક ગજબનો વિશ્વાસ પેદા થયો છે. આપણો ભારત દેશ એ કૃષિપ્રધાન દેશ હોવાથી દેશના મોટાભાગના રાજ્યોમાં કૃષિ થકી દેશ અને જન જનનો વિકાસ સધાયો છે. કૃષિ ક્ષેત્રમાં ગુજરાતે છેલ્લા બે દાયકામાં અભૂતપૂર્વ સિધ્ધિઓ હાંસલ કરી છે.
આજનો ખેડૂત આધુનિક તકનીક અપનાવતો થયો છે, અને ટેકનોલોજીની મદદથી, કૃષિ વિષયક સૂઝબુજથી કૃષિ ક્ષેત્રે વધુને વધુ સફળતા હાંસલ કરી રહ્યો છે. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી ગત વર્ષે રાજ્યમાં કુલ 22489 એકર વિસ્તારમાં ખેડૂતોને લાભ આપવામાં આવેલ.
કૃષિ મહોત્સવ જેવા રાજ્ય સરકારના આયોજનબદ્ધ પગલાંને કારણે ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત વધ્યો છે. પ્રાકૃતિક કૃષિને ગુજરાતે વિશેષ પ્રાધાન્ય આપી ખેડૂતોને વધુ ઝડપથી સમૃદ્ધ કરવાની દિશામાં મક્કમ પગલાં લીધા છે. પ્રાકૃતિક કૃષિને રાજ્યમાં વેગ મળે તે માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે સહાય આપવામાં આવે છે.
પ્રાકૃતિક કૃષિના અમલ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં એક પ્રાકૃતિક કૃષિ અપનાવી ચુકેલ સફળ ખેડૂત દ્વારા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આજદિન સુધીમાં 15407.82 કરોડની રકમ ખેડૂત લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવ્યા છે. ભારત સરકારે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મિલેટ પાકોના ઉત્પાદનમાં તેમજ રોજીંદા જીવનમાં વપરાશમાં પણ વધારો થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે.
રાજ્યના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને તેમના ખેતીવાડી વીજજોડાણનો વીજભાર નિયમિત કરાવી શકે તે માટે જાહેર કરવામાં આવેલ સ્વૈચ્છિક જાહેરાત યોજના 2022 અંતર્ગત કુલ 50 હજારથી વધુ ખેડૂતોએ લાભ લીધેલ છે. રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી પુરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિસાન સુર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 7084 ગામોમાં દિવસે વીજળી આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર અને મારા વિભાગ દ્વારા ખેડૂતોને લક્ષમાં રાખી લેવામાં આવેલ નિર્ણયો સરકારની તેમના પ્રત્યેની સંવેદનશીલતા છતી કરે છે.
રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી સહાયની વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ લાભાર્થીઓને વચેટીયાઓને નાબુદ કરી સીધો લાભ અંતરિયાળ વિસ્તારના વંચિત લોકોને મળી રહે અને આ લાભ મેળવી તેમના જીવનધોરણ ઉન્નત થાય અને તેઓ વિકાસની ધારામાં જોડાય તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળા થકી વંચિતોને વિકાસના પ્રવાહમાં સામેલ કરેલ છે. અત્યાર સુધીમાં કુલ 1604 ગરીબ કલ્યાણ મેળા મારફતે રાજ્યના જુદા જુદા વિભાગોની વિવિધ યોજનાઓ અન્વયે કુલ 1.66 કરોડ લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવેલ છે.
ગ્રામીણ સ્તરે ગ્રામ પંચાયતો થકી ગ્રામજનોને તમામ સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે પંચાયત ભવન એ અગત્યનું અને ચાવીરૂપ માધ્યમ બની રહેલ છેત્યારે આપણા વડાપ્રધાન દ્વારા પ્રત્યેક ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયત ઘર ઉપલબ્ધ કરાવવા દ્રઢ સંકલ્પ કરેલ છે, ત્યારે આ સંકલ્પને સિદ્ધ કરવા અને પંચાયતીરાજ વ્યવસ્થાને સંગીન બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર ઉપલબ્ધ તમામ યોજનાઓના ભંડોળનો ઉપયોગ કરીને તબક્કાવાર રાજ્યની જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના મકાનોને સુવિધાયુક્ત બનાવવા માટે અનુદાન આપવામાં આવે છે. વધુમાં પંચાયત વિભાગની કામગીરીમાં આંતરમાળખાકીય સુવિધાઓની અગત્યતાને સુપેરે સમજીને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના મકાનોની યુનિટ કોસ્ટમાં પણ વધારો કરવામાં આવેલ છે.
રાજ્યમાં પંચાયતી રાજના સફળ સંચાલન અને સુદ્રઢીકરણમાં ગામડાઓ વિકાસની હરણફાળમાં પાછળ રહી ન જાય તેવા દ્રઢ સંકલ્પ સાથે અને આ વિચારને સાચા અર્થમાં અમલમાં મુકવા માટે ભારત સરકાર દ્વારા 15મા નાણાંપંચના સમયગાળા દરમ્યાન વર્ષ 2020-21થી વર્ષ 2025-26 સુધીમાં રાજ્યને કુલ રૂપિયા 15650 કરોડની માતબર રકમ કેન્દ્ર સરકાર તરફથી મળનાર છે.
ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામોને મંજૂર કરવાની પ્રક્રિયા વધુ સરળ બને તથા કામો ઝડપી તેમજ ગુણવત્તા સભર થાય તે માટે તાંત્રિક અધિકારીના તાંત્રિક મંજૂરીના મૂળ સિવિલ કામના અધિકાર સોંપણીમાં ફેરફાર કરી તાંત્રિક સત્તાઓ વધારવામાં આવેલ છે.
સ્વચ્છ ભારત મિશન-અર્બન હેઠળ ભારત સરકારના આવાસન અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શહેરોમાં સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. મને જણાવતા આનંદ થાય છે કે, સ્વચ્છ સર્વેક્ષણ- 2023માં સુરત મહાનગરપાલિકાને ઇન્દોરની સાથે દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
સ્વચ્છતા અને માળખાકીય સુવિધાને શહેરો પુરતી મર્યાદિત ન કરતાં રાજ્ય સરકારે, ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી માળખાકીય સુવિધા પુરી પાડવા માટે રૂર્બન માળખાકીય સુવિધા આયોજન અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ પ્લાનની યોજના વર્ષ 2009-10થી અમલમાં મુકેલ છે. ગામડાઓને શહેરની સમકક્ષ તમામ સુવિધાઓ મળે તે માટે અને ગ્રામ્ય અને શહેર વચ્ચેની ખાઈ દુર કરવાના અભિગમ સાથે રાજ્ય સરકારે રૂર્બન પ્રોજેક્ટ હાથ ધરેલ છે.
10000થી વધુ વસ્તી ધરાવતા 118 ગામો, તાલુકા મથકવાળા 10000થી ઓછી વસ્તી ધરાવતા 82 ગામો અને આદિજાતિ વિસ્તારના 7000ની વસ્તી ધરાવતા 55 ગામો મળી કુલ 255 ગામોમાં હાલ પુરતા ભુગર્ભ ગટરનું માળખુ પુરૂ પાડવાનું આયોજન કરેલ છે.
સારી સાફ સફાઈથી જ ભારતના ગામડાઓને આદર્શ બનાવી શકાય છે. આ વિચાર છે આપણા વંદનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો અને તેને સાર્થક કર્યો છે, આપણા દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. આજે સ્વસ્ચ્છતા સૌની આદત બની ગઈ છે. જેનું આદર્શ ઉદાહરણ છે ગુજરાતના ગામડાઓની સ્વચ્છતા અને તેના માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા. ગ્રામીણ વિસ્તારમાં શહેરો જેવી સ્વચ્છતા અને સુવિધા પુરી પાડવા તમામ ગામડાઓમાં સ્વચ્છતાની વણથંભી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય વ્યવસ્થાપન દ્વારા ગામડાઓને વધુ સ્વચ્છ બનાવવા તેમજ રોગોનો ફેલાવ અટકાવવા તથા સ્વચ્છતા ક્ષેત્રે રોજગારીની નવી તકોનું નિર્માણ કરવા અને તે દ્વારા ગ્રામ પંચાયતોનું સશક્તિકરણ કરી સુખી અને સ્વસ્થ ગ્રામીણ સમાજના નિર્માણના કલ્યાણકારી ઉદ્દેશ સાથે સ્વચ્છતા એ જ સેવા હેઠળ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત પસંદગી કરેલ ગામોના ક્લસ્ટરમાં ઘરે ઘરેથી કચરાનું એકત્રીકરણ, સેગ્રીગેશન શેડખાતે કચરાનું વર્ગીકરણ કરી વૈજ્ઞાનિક ઢબે અજૈવિક કચરાનોનિકાલ તથા જૈવિક કચરાનો ગોબરધન પ્લાન્ટમાં ઉપયોગ કરી નિકાલ માટેની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે. જેનાથી ગ્રામ્ય કક્ષાએ લોકોમાં ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન પણ મળશે.
વધુમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ગ્રામ પંચાયતોને સફાઈના સાધનો પુરા પાડી એકત્રીત કરેલ કચરો લેન્ડફીલ સાઈટ સુધી લઈ જવા પરિવહન સહાય સહાય આપીને તથા ઉકરડા વ્યવસ્થાપન કરીને ઉકરડા મુક્ત ગામ બનાવવા માટે સફાઈને લગતા કામો હાથ ધરીને સફાઈ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરીને વધુ સારા સ્વસ્થ સમાજનો નિર્માણ કરવાનો ઉદ્દેશ છે.
યાત્રાધામોનો વિકાસ અને આપણી ભવ્ય સાંસ્કૃતિક પરંપરાની જાળવણી માટે સરકાર સઘન પગલાં લઈ રહી છે. અંબાજી શક્તિપીઠ અને પાવાગઢ જેવા યાત્રાધામોમાં નવતર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાતે સ્વચ્છ યાત્રાધામની પહેલ શરૂ કરી છે, અને ધાર્મિક યાત્રાધામ સ્થળોની સફાઈની ઝુંબેશ ઉપાડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવનાર છે.
ગુજરાત સરકાર દ્વારા પરિવહન સુવિધાઓ તરફ અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે, જેમાં નાના-મોટા તમામ શહેરોમાં વૈશ્વિક કક્ષાનું એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કેશોદ એરપોર્ટ વિસ્તરણ પ્રોજેક્ટ અંતર્ગત, કેશોદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે, તેમજ વિશ્વકક્ષાનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું રાજકોટ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આપણા કચ્છના ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે, જેનાથી ગુજરાતનું કચ્છ તેની કુદરતી સંપદા તેમજ મહેમાનગતિના કારણે વિશ્વવિખ્યાત બન્યું છે. આ ઉપરાંત ઇન્ડિયા ટૂરિઝમ સ્ટેટસ 2023ના રિપોર્ટ મુજબ વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.
આઝાદીના 75 વર્ષ બાદ આર્થિક, રાજકીય, સામાજિક અને ટેકનોલોજીની વ્યવસ્થાઓમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. દીર્ઘદ્રષ્ટા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના કાયદાઓના સર્વગ્રાહી મૂલ્યાંકન બાદ આઈપીસી, સીઆરપીસી એન્ડ એવિડન્સ એક્ટમાં સમુચિત ફેરફારો કર્યા છે. જેમાં ઇન્ડિયન પીનલ કોડના સ્થાને હવે ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવશે, ત્યારે સીઆરપીસીના બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અપનાવવામાં આવશે.
દેશના નાગરિકોને બંધારણે આપેલા સ્વાતંત્ર્યના હકકને તેઓ મુક્ત પણે ભોગવી શકે, તે માટે દેશદ્રોહ જેવા દમનકારી આરોપોને નવા કાયદામાંથી રદ કરવામાં આવ્યા છે. બાળકો સાથે થતા જઘન્ય અપરાધોમાં મોતની સજા જેવી કડક જોગવાઈઓને અમે સખતાઈપૂર્વક અમલ કરી રહ્યા છીએ. નવા ભારતમાં શાંતિ અને સલામતીની નવતર પરિભાષા આપણે અંકિત કરી છે. ગુજરાતમાં ખાસ મહિલા એસઆરપી બટાલિયન સ્થાપવાનો આપણે નિર્ણય કર્યો છે. બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની પારદર્શક રીતે ભરતી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
