પાટણમાં લમ્પી વાયરસને અટકાવવા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધો મુક્યા!
પાટણ જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝ જોવા મળી રહી છે, જેના કારણે અનેક પશુઓના મોત થયા હોવાનું પણ સામે આવી છે.
પાટણ જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝ જોવા મળી રહી છે, જેના કારણે અનેક પશુઓના મોત થયા હોવાનું પણ સામે આવી છે. આ રોગ વાયરસથી એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોવાથી અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઈતરડી, માખી, મચ્છર, વગેરેથી પણ ચેપ ફેલાતો હોવાથી પશુઓના પરિવહન ઉપર પ્રતિબંધ મુકવાનુ જરૂર જણાતાં સુધી જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

લમ્પી સ્કીન ડીસીઝના બચાવ અને નિયંત્રણ માટે જિલ્લા કક્ષાની સંકલન સહ મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવેલ છે. લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં જાહેરનામાંથી લમ્પી સ્કીન ડીસીઝ અન્વયે કેટલાંક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. જેના કન્ટ્રોલ્ડ એરિયામાં પાટણ જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જેથી જિલ્લામાં વાયરસના સંક્રમણને ધ્યાનમાં લેતા તકેદારીના ભાગરૂપે ફોજદારી અધિનિયમ-1973ની કલમ-144, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33 મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા 3 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી સાવચેતીના ભાગરૂપે નીચે મુજબના કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.
આ જાહેરનામા મુજબ એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. તદઉપરાંત પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાનાં થતાં હોય તેવા આયોજનો, કોઈ રસ્તાએ કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગચાળાથી મરેલા જાનવરોનાં મડદાંને અથવા તેના ભાગને છોડી દેવાની અથવા તેમને લાવવા કે લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આવા રોગચાળાના જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગા વગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગબીજનો નાશ કરવા અને એવા રોગચાળા અથવા જેમને એવો રોગ થયો છે તેમ દેખાતું હોય તેવા જાનવરોને એકમેકથી છુટા રાખવા તે મુજબની તેમની વ્યવસ્થા કરવા ફરમાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
