For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ ધારાસભ્ય દળની આજે બેઠક, નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીએ રવિવારના રોજ (12 સપ્ટેમ્બર) વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીએ રવિવારના રોજ (12 સપ્ટેમ્બર) વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે.

meeting

બપોરે 2 કલાકે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો તરીકે ગુજરાતની મુલાકાત લેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારના રોજ રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે, જેની સાથે ગુજરાતને નવા મુખ્યમંત્રી પણ મળશે.

ભાજપના મહામંત્રી (સંગઠન) બી. એલ. સંતોષ અને ગુજરાતના રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પહેલેથી જ ગુજરાતમાં છે. આ કવાયત અંગે નેતાઓ પાસેથી સલાહ લેવામાં આવી રહી છે. શનિવારના રોજ વિજય રૂપાણીના રાજીનામા પહેલા પણ બંને વચ્ચે ઘણી બેઠકો અને ચર્ચાઓ ચાલી રહી હતી.

આ વિધાનસભા પક્ષની બેઠક ગાંધીનગરમાં યોજાશે. ગુજરાત ભાજપે તમામ ધારાસભ્યોને મોડી રાત સુધીમાં ગાંધીનગર પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં નવા મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાતમાં 2 નાયબ મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલા પર પણ ચર્ચા થશે.

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પાર્ટી તેમને ભવિષ્યમાં જે પણ જવાબદારી આપશે તે સંભાળી લેશે. વિજય રૂપાણીએ ઓગસ્ટ 2016માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. વર્ષ 2017ની ચૂંટણી બાદ પણ વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા.

આગામી મુખ્યમંત્રી પાટીદાર સમુદાયના હોવા જોઈએ - પાટીદારો

કોરોના મહામારી દરમિયાન સર્જાયેલી વિકટ પરિસ્થિતિને સંભાળી ન શકવા બદલ વિજય રૂપાણીની ટીકા થઈ રહી હતી. હાલ ભાજપ ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાટીદારોએ માંગ કરી હતી કે, આગામી મુખ્યમંત્રી તેમના સમુદાયના હોવા જોઈએ.

ભાજપ ડિસેમ્બરની સરખામણીમાં 10 મહિના વહેલા ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજી શકે છે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. ગુજરાત સરકારનો કાર્યકાળ નવેમ્બર 2022 માં સમાપ્ત થવાનો છે, પરંતુ એવી ચર્ચા છે કે. ભાજપ ડિસેમ્બરની સરખામણીમાં 10 મહિના વહેલા ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજી શકે છે. ઉત્તર પ્રદેશમાં એક જ સમયે ચૂંટણી યોજાવાની છે. પાર્ટી યુપી અને ગુજરાતમાં એક સાથે ચૂંટણી યોજવાની તૈયારી કરી રહી છે.

ભાજપે ચૂંટણીમાં જનતાનો મૂડ જાણવા ખાનગી સર્વે કરાવ્યો હતો

ભાજપના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં પક્ષની બમ્પર જીત બાદ ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જનતાનો મૂડ જાણવા ખાનગી સર્વે કરાવ્યો હતો. આમાં, વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં, ટૂંક સમયમાં ચૂંટણી યોજવાની બાબત સામે આવી છે.

ભાજપના આંતરિક સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિમાં કોંગ્રેસ પાસે હજુ સંગઠન, સંકલન અને સક્રિયતાનો અભાવ છે. એટલું જ નહીં, કોંગ્રેસ આંતરિક લડાઈ સાથે જ લડી રહી છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં તેનું પ્રદર્શન પણ કોંગ્રેસ કરતા સારું રહ્યું છે.

આવી સ્થિતિમાં જો ડિસેમ્બર 2022 માં ચૂંટણી યોજાય તો AAP ને કેટલાક મોટા નેતાઓને પોતાના પક્ષમાં લઈને સંગઠનને મજબૂત કરવા માટે ઘણો સમય મળશે. આવી સ્થિતિમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવો પડશે. અત્યારે AAP પાસે ચૂંટણી લડવા માટે મોટો ચહેરો પણ નથી. આ રીતે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને, જો ચૂંટણી વહેલી યોજાય તો ભાજપને તેનો વધુ લાભ મળી શકે છે.

તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં ગુજરાતમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂરા થવા પર રાજ્યભરમાં અલગ અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે એક પછી એક વિકાસ કામોનું ઉદ્ઘાટન પણ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પીએમ મોદી, અમિત શાહ અને વિજય રૂપાણી દ્વારા ડઝનેક ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે.

આ સિવાય મોંઘવારી ભથ્થામાં વધારો અને સરકારી કચેરીઓમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પણ તાજેતરના સમયમાં કરવામાં આવી છે. આ સિવાય પાર્ટીના નેતાઓ અલગ અલગ સ્થળોએ કાર્યક્રમો યોજીને સંગઠનને મજબૂત કરી રહ્યા છે. આ બધી બાબતો એ ચર્ચાને વધુ મજબુત બનાવે છે કે ભાજપ ગુજરાતની ચૂંટણી વહેલી તકે યોજવા માંગે છે.

English summary
Following Vijay Rupani's resignation, the Bharatiya Janata Party has called a meeting of the Legislative Party on Sunday (September 12). The BJP MLAs will meet at 2 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X