ગીર સોમનાથમાં વેરાવળ પાલિકાના ગાર્ડનમાં નુકશાનની MLA વિમલ ચુડાસમાની ફરિયાદ
ગીર સોમનાથમાં પબ્લિક ગાર્ડનમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ બાંકડાઓને નુકશાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે.
વેરાવળઃ ગીર સોમનાથમાં પબ્લિક ગાર્ડનમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ બાંકડાઓને નુકશાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નગર સેવિકાના પતિ અને પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી સામે ફરિયાદ નોંધાવી છે. વિમલ ચુડાસમાએ કૉલ રેકૉર્ડિંગના પુરાવા પોલિસ સમક્ષ રજૂ કર્યા હતા.

વિમલ ચુડાસમાનો આરોપ છે કે નગર પાલિકા ગાર્ડન કમિટીના ચેરમેન નગરસેવિકા ભારતીબહેનના પતિ કાળુભાઈએ પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડીની સૂચનાથી બાંકડાઓને નુકશાન પહોંચાડ્યુ છે. વિમલ ચુડાસમાએ જણાવ્યુ કે અહીં પબ્લિક ગાર્ડન છે જ્યાં લોકો ચાલવા માટે કે બેસવા માટે આવે છે. બેસવા માટે અહીં બેંચ આપેલી છે. બેંચ ફીટ કરી ગયા તેને અંદાજીત એક મહિનો થયો છે. ત્યારે મને જાણવા મળ્યુ છે કે નગરપાલિકાના કોર્પોરેટર અને બીજા ભાજપશાસિત નેતાઓના ઈશારે આ બેંચ તોડવાનો પ્રયત્ન કર્યો. બોલ્ટ તોડીને ફેંકી દીધા છે.
વળી, વિમલ ચુડાસમાએ જણાવ્યુ કે ધારાસભ્યનુ નામ અને જે ગ્રાન્ટ લખેલી છે એ ઉલટુ કરી દીધુ છે. આ સરકારી ગ્રાન્ટ છે, વિમલ ચુડાસમાના ખિસ્સામાંથી નથી આપવામાં આવી. સરકારી વસ્તુ છે અને કલેક્ટરશ્રીએ આપેલી મંજૂરીના આધારે તેને પબ્લિક ગાર્ડનમાં મૂકવામાં આવી છે. પરંતુ આ લોકોએ સરકારી સંપત્તિને નુકશાન કર્યુ છે. મે બેંચનો વીડિયો ઉતાર્યો છે. અહીં કાળુભાઈએ બેંચને નુકશાન પહોંચાડ્યુ છે અને બોલ્ટ તોડીને એમાં તિરાડ પણ પાડી દીધી છે. તેમણે સરકારી વસ્તુને નુકશાન પહોંચાડ્યુ છે. પુરાવાના આધારે હું પોલિસ ફરિયાદ કરી તેમને સજા કરાવીશ.












Click it and Unblock the Notifications
