UPA સરકારે 10 વર્ષ આદરી હતી સંગઠિત લૂંટ: CM રૂપાણી

Subscribe to Oneindia News

મંગળવારે પૂર્વ વડાપ્રધાન અે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહે અમદાવાદની મુલાકાત લીધી હતી. અહીં સરદાર પટેલ સ્મારકમાં સંબોધન કરતાં તેમણે નોટબંધી અને જીએસટી મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ફરી એક વખત નોટબંધીના નિર્ણયને સંગઠિત લૂંટ ગણાવી હતી. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા ત્યારે મૌન ધારણ કરી બેસી રહ્યા હતા, માટે જ તેમનું નામ મૌની બાબા પડ્યું હતું. તેમણે પોતાના કાર્યકાળમાં અનેક કૌભાંડો થવા દીધા હતા, અનેક મંત્રીઓ જેલમાં ગયા હતા, મોંઘવારી ફાટી નીકળી હતી, દાળના ભાવ 150 રૂપિયાને પાર પહોંચ્યા હતા, ત્યારે પણ મનમોહન મૌન જ રહ્યા હતા. અને હવે આજે બોલવા ગુજરાત આવ્યા છે, તે તેમને શોભતું નથી.

vijay rupani

આ ઉપરાંત તેમણે કેટલાક શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ તેમજ યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓ ચૂંટણી સમયે ગુજરાત આવે છે અને સરદાર પટેલને યાદ કરે છે. ગુજરાતીઓ તેમના ખોખલા શબ્દો પર ક્યારેય વિશ્વાસ નહીં કરે. સંગઠિત લૂંટ તો યુપીએ સરકારે આદરી હતી 10 વર્ષ સુધી, તેમણે જો ત્યારે એક પરિવાર અંગે ન વિચારતાં આખા દેશનો વિચાર કર્યો હોત તો આજે પરિસ્થિતિ કંઇ અલગ જ હોત. શું આ સાચી વાત નથી કે, યુપીએ સરકાર સર ક્રિક પાકિસ્તાનને સોંપવાનો વિચાર કરી રહી હતી? ડૉ. મનમોહન સિંહ પર પ્રહાર કરતાં તેમણે આગળ લખ્યું છે કે, વડાપ્રધાન તરીકે 10 વર્ષ સુધી તમે કોની ભ્રષ્ટાચારી કામગીરીઓ પર પડદો નાંખી રહ્યા હતા? શું યુપીએ સરકારે કાળા નાણાંનો એક પૈસો પણ ભારતમાં પરત લાવવા માટે એક પણ પ્રયત્ન કર્યો હતો? મૌન રહેવું એ તમારો સ્વભાવ છે અમે જાણીએ છીએ, પરંતુ જ્યારે તમારા કાર્યકાળમાં કરોડો રૂપિયાનું કાળુ નાણું ભારતમાંથી બહાર ગયું ત્યારે તો તમે કંઇ બોલ્યા હોત? કોલસા કૌભાંડમાં તમે સહભાગી હતા કે એ સમયે પણ મૌન જ હતા?

તેમણે દેશવાસીઓને પ્રશ્ન કરતા લખ્યું હતું કે, ભારતીય ઇતિહાસમાં સૌથી ભ્રષ્ટ સરકારના વડાપ્રધાન તરીકે શું ડૉ.મનમોહન સિંહે 125 કરોડ દેશવાસીઓની માફી ન માંગવી જોઇએ? એક અર્થશાસ્ત્રી તરીકે ડૉ. સિંહ પાસે લોકોને આશા હતી કે, તેઓ વેપાર કરવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરશે, પરંતુ તેમણે તો ઉલટું વેપાર કરવો વધારે કપરો કર્યો. આ પાછળનું કારણ શું? ડૉ. સિંહ નર્મદા યોજનાના કામને 10 વર્ષ સુધી લંબાવવા માટે ગુજરાતના લોકોની માફી માંગે. ડૉ.મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને યુપીએ સરકાર એન્ટિ-ગુજરાત વિચારસરણી શા માટે ધરાવે છે?

English summary
Gujarat Elections 2017: Gujarat CM Vijay Rupani asks Dr.Manmohan Singh, Whose corrupt deeds were you protecting for ten years as Prime Minister?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.