રાદડિયા પિતા-પુત્રને કોંગ્રેસે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠન અને ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ બાલુભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ધોરાજીના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ વિધાનસભા પદેથી રાજીનામું આપ્યું હતું, જેના માટે તેમણે પક્ષ પાસે કોઇ ચર્ચા વિચારણા કરી નહી અને કોઈ મંજૂરી લીધી નહીં, તેથી કોંગ્રેસ પક્ષ તેમને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે સોમવારે વિઠ્ઠલ રાદડિયા તેમના પુત્ર સાથે ગુજરાત વિધાનસભા પહોંચ્યા અને પોતાના રાજીનામાં અધ્યક્ષ વજુભાઇ વાળાને સોંપ્યા હતા. ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસના મુખ્યાલય પહોંચી પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે નિશ્ચિત છે.
નોંધનીય છે કે વિઠ્ઠલ રાદડિયાએ સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું અને ધારાસભ્ય બન્યા હતા. જોકે તેમને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા નહીં બનાવવામાં આવતા નારાજ થયા હતા. તેમણે શંકરસિંહ વાઘેલાના વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવતા તેનો વિરોધ પણ કર્યો હતો.
વિઠ્ઠલ રાદડિયાએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે, મોદીએ ગુજરાતને વિકાસના પથ પર એક નવી ઉંચાઇએ પહોંચાડ્યું છે અને તેઓ ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે.












Click it and Unblock the Notifications
