SIR માટે 29-30 નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારોમાં તાલુકા સ્તરે કેમ્પ યોજાશે
સમગ્ર ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે, જેનો ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ ઝુંબેશમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓથી લઈને બૂથ લેવલ ઓફિસરો (BLO) સુધીનું સમગ્ર ચૂંટણીતંત્ર સુમેળ અને સહકારની ભાવના સાથે નાગરિકોને મદદરૂપ થવા પ્રયત્નશીલ છે.
રાજ્યભરના BLO મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ, ફોર્મ ભરવામાં સહાય અને 2002ની યાદીમાંથી નામ શોધવા જેવી બાબતોમાં માર્ગદર્શન આપી રહ્યા છે. આ કામગીરી દ્વારા નાગરિકોને ફોર્મમાં જરૂરી વિગતો ભરવામાં મદદ મળી રહી છે.

મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ નાગરિકોને સહાયભૂત થવા માટે ખાસ કેમ્પોના આયોજનની સૂચના આપી હતી. જેના ભાગરૂપે 15, 16, 22 અને 23 નવેમ્બર, 2025ના રોજ રાજ્યમાં કેમ્પો યોજાયા હતા.
આ શૃંખલાને આગળ વધારતા મુખ્ય નિર્વાચન અધિકારીએ જિલ્લા ચૂંટણી અધિકારીઓને 29 અને 30 નવેમ્બર, 2025ના રોજ રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં તાલુકા સ્તરે વધુ કેમ્પ યોજવા નિર્દેશ આપ્યો છે. આ કેમ્પોમાં મામલતદાર અને પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહી મતદારોને મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે, મતદારો પોતાના વિધાનસભા મતવિસ્તારની કચેરીએ ગણતરી ફોર્મ જમા કરાવી શકશે. ઉપરાંત, 2002ની મતદાર યાદીમાં તેમનું નામ શોધવામાં પણ તેમને સહાય મળશે.
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ નાગરિકોને આ કેમ્પોનો મહત્તમ લાભ લઈ ગણતરી ફોર્મ ભરીને સુપરત કરવા અપીલ કરી છે. આનાથી તેઓ 9 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર થનારી ડ્રાફ્ટ મતદારયાદીમાં તેમનું નામ સુનિશ્ચિત કરી શકશે.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ "પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય" તે સુનિશ્ચિત કરવાનો છે.












Click it and Unblock the Notifications
