For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણીમાં મોળા પડેલા મોઢવાડિયા માટે પક્ષ પ્રમુખના લાડવા શા માટે?

|
Google Oneindia Gujarati News

arjun-modhvadia
ગાંધીનગર, 23 જાન્યુઆરી : ગુજરાતમાં ચૂંટણીની મોસમ આવી અને ચાલી ગઇ. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ફરી એકવાર જનતાએ ભાજપની તરફેણમાં જનાદેશ આપ્યો. કોંગ્રેસના પરફોર્મન્સની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (જીપીસીસી)ના પ્રમુખ પદેથી અર્જુન મોઢવાડિયાએ પરિણામ જાહેર થયાના દિવસે જ રાજીનામુ ધરી દીધું. જો કે પાર્ટી હાઇ કમાન્ડે તેમને પ્રમુખ પદે ચાલુ રહેવાનો આદેશ આપ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012નું પરિણામ 20 ડિસેમ્બર, 2012ના રોજ જાહેર થયું હતું. આજે પરિણામ જાહેર થયે એક મહિનાથી વધારાનો સમય પસાર થઇ ગયો છે. ગુજરાતની 13મી વિધાનસભાનું પ્રથમ સત્ર પણ આજે મળ્યું. પ્રશ્ન એ થાય છે કે કોંગ્રેસ હાઇ કમાન્ડે પ્રમુખ પદે હજી પણ અર્જુન મોઢવાડિયાને કેમ ચાલુ રાખ્યા છે. આ માટે એકથી વધારે પરિબળો જવાબદાર હોઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીઓમાં મળેલી હારને પગલે હવે કોંગ્રેસે ફરી પાંચ વર્ષ સુધી સત્તાથી વંચિત રહીને વિપક્ષ તરીકે કામ કરવું પડશે. ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખાસ કરીને વર્તમાન પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલની હાર થઇ હતી. આવી સ્થિતિ સર્જાવા છતાં અર્જુન મોઢવાડિયા સામે હાઇ કમાન્ડે કુણુ વલણ અપનાવ્યું છે. તેના સંભવિત કારણો આવા હોઇ શકે...

ચૂંટણીમાં કોંગ્રેસ હારી પણ સીટો વધી
છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પર નજર કરીએ તો આ વખતે કોંગ્રેસ ભલે હારી છે પણ તેની સ્થિતિમાં ચોક્કસપણે સુધારો જોવા મળ્યો છે. કોંગ્રેસને વર્ષ 2007માં 38 ટકા જ વોટ મળ્યા હતા. જ્યાપે મોઢવાડિયાના નેતૃત્વમાં કોંગ્રેસે આ વખતની ચૂંટણીઓમાં 41 ટકા વોટ મળ્યા હતા. વર્ષ 2007માં કોંગ્રેસની 59 બેઠકો હતી જ્યારે આ વખતે 61 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઇ હતી. અર્જુન મોઢવાડિયાએ તાકેલા નિશાન પર તેઓ અંશત: સફળ થયા હોઇ તેમની સામે કડક પગલાં લેવામાં આવ્યા નથી.

તત્કાલ અન્ય કોઇ વિકલ્પ નહીં
બીજું એક પરિબળ મોઢવાડિયાના વિકલ્પનું છે. છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં સત્તા વિહોણી રહેલી કોંગ્રેસને આ વર્ષે સત્તા મળવાની આશા હતા. આશા નિરાશામાં પરિણમી જેના કારણે કોંગ્રેસના નેતાઓ 15 દિવસ સુધી પાતાળમાં ઉતરી ગયા હોય તેવો માહોલ હતો. આવી સ્થિતિમાં તત્કાળ પ્રદેશ પ્રમુખનો વિકલ્પ શોધવો મુશ્કેલ હતો કારણ કે ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ નામોમાં એક માત્ર શંકરસિંહ વાઘેલાનું નામ અપવાદ હતું. જો કે પ્રદેશ પ્રમુખ બનવામાં શંકરસિંહને પણ ખાસ રસ નહીં હોવાથી કોંગ્રેસ હાઇકમાન્ડે આ બાબતને વિચારણા હેઠળ રાખી છે.

લોકસભા ચૂંટણીને પગલે ગુજરાતમાં રસ ઘટ્યો
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની ઘોષણા થઇ એ પહેલાથી કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2014નો વ્યૂહ ઘડવામાં વ્યસ્ત થઇ ગઇ હતી. ત્યાર બાદ ગુજરાતમાં પક્ષના નબળા પરફોર્મન્સને કારણે આગામી પાંચ વર્ષ સુધી કોઇ ફાયદો નથી તેમ વિચારીને હાઇકમાન્ડે ગુજરાતમાં પક્ષની સ્થિતિ વધારે સારી કરવાને બદલે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની સ્થિતિ વધારે મજબૂત બને તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સાથે રાહુલ ગાંધીની કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જાહેરાત પણ કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતને સાઇડલાઇન કરવામાં આવ્યું છે એમ કહી શકાય.

વિપક્ષી નેતા તરીકે સારી કામગીરી
અર્જુન મોઢવાડિયા પ્રદેશ પ્રમુખ બન્યા ન હતા એ પહેલા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. વિપક્ષના નેતા બન્યા એ દરમિયાન તેમણે ગુજરાત સરકાર દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડ્યો હતો અને જનતાનો અવાજ પહોંચાડ્યો હતો. તેમની નોંધપાત્ર કામગીરી અને કાબેલિયત જોઇને તેમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ કારણે પણ તેઓ હજી સુધી પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે.

પ્રમુખ તરીકે શંકરસિંહ સ્વીકાર્ય નહીં હોવાનો ભય
કોંગ્રેસીઓ માટે એક મુદ્દો હંમેશા પક્ષમાં ઝગડાનું અને મનમેળ નહીં થવાનું કારણ બન્યું છે. આ મુદ્દો છે મૂળ કોંગ્રેસીને બદલે પક્ષાંતર કરીને આવેલા નેતાને પક્ષનું સંચાલન સોંપવું. મૂળ કોંગ્રેસીઓ ક્યારેય આ બાબત સ્વીકારી શક્યા નથી. જેના કારણે પક્ષમાં આંતરિક વિગ્રહની પરિસ્થિતિ સર્જાય છે. આ વખતની ચૂંટણીઓમાં કોંગ્રેસમાંથી જીતેલા મોટા માથામાં શંકરસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. તેમને પક્ષ પ્રમુખ બનાવવામાં આવે તો અનેક લોકો બળવો પોકારે તેવી સ્થિતિ સર્જાવાના ભયના કારણે પણ કોંગ્રેસ હાઇ કમાન્ડે આ પગલું લીધું નથી.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મોવડીમંડળે જીપીસીસીના પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયાનો વધુ થોડા મહિના કામગીરી કરવાનો આદેશ આપ્યો હોઇ શકે છે.

English summary
Which factors helps Modhwadia to continue as GPCC president?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X