કેન્દ્રિય કેબિનેટમાં ગુજરાતમાંથી 3 ચહેરા, જાણો કોણે કોણે મંત્રીપદના શપથ લીધા?
નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં એનડીએ સરકારે શપથ લીધા છે. નવી કેબિનેટમાં ગુજરાતના ત્રણ ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાંથી અમિત શાહ, મનસુખ માંડવિયા અને સીઆર પાટીલે કેન્દ્રિય મંત્રીપદના શપથ લીધા છે. ગુજરાતમાં ભાજપે માત્ર એક બેઠક ગુમાવી છે જ્યારે તે 25 બેઠકો જીતવામાં સફળ રહી છે.

અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી સતત બીજી વખત ચૂંટણી જીત્યા છે, મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી ચૂંટાયા છે જ્યારે સીઆર પાટીલ નવસારીથી સાંસદ બન્યા છે.
ત્રણેય પાસે નોંધપાત્ર રાજકીય અનુભવ છે. પીએમ મોદીના બીજા કાર્યકાળમાં અમિત શાહ અને મનસુખ માંડવિયાએ મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સંભાળી છે.
અમિત શાહ
2019ની લોકસભા ચૂંટણી બાદ અમિત શાહ 2024માં પણ ગાંધીનગર બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. આ ભાજપનો ગઢ છે અને તેઓએ તેને જાળવી રાખ્યો છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહે કોંગ્રેસના સોનલ પટેલને 744716 મતોથી હરાવ્યા છે.
2019માં લોકસભા ચૂંટણી જીતતા પહેલા તેઓ રાજ્યસભાના સભ્ય હતા. તેઓ 2014 થી 2020 સુધી ભાજપના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ અગાઉ ગુજરાતથી ધારાસભ્ય અને ગુજરાતના મંત્રી પણ રહી ચૂક્યા છે.
મનસુખ માંડવિયા
મનસુખ માંડવિયા પીએમ મોદીના બીજા કાર્યકાળમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. માંડવીયાએ પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના લલિત વસોયાને હરાવ્યા છે. માંડવિયાને 633118 વોટ મળ્યા જ્યારે વસોયાને માત્ર 249758 વોટ મળ્યા. 52 વર્ષીય માંડવિયા પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં રાજ્યકક્ષાના મંત્રી હતા.
સી આર પાટીલ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં સારું પ્રદર્શન કર્યું છે. નવસારી બેઠક પરથી તેઓ સતત ચોથી વખત ચૂંટણી જીત્યા છે. આ વખતે તેમણે કોંગ્રેસના ભૂપત દેસાઈને 773551 મતોની સરસાઈથી હરાવ્યા છે. ગુજરાતમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બનેલા તે પ્રથમ બિન-ગુજરાતી છે.












Click it and Unblock the Notifications
