કાશ્મીરના રાજૌરીમાં બ્લાસ્ટ થતા સેનાના 5 જવાન શહીદ, ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ ગયો હોવાના દાવા કરી રહેલી સરકારના ગાલ પર આતંકીઓ રોજ તમાચા મારી રહ્યા હોય તેમ બેખૌફ થઈને આંતકી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. હવે વધુ એક હુમલામાં સેનાના 5 જવાનો શહીદ થયા છે.
જમ્મુના રાજૌરીના કાંડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 5 જવાનો શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ અને એડીજીપી જમ્મુ મુકેશ સિંહ રાજૌરી કાંડી વિસ્તારમાં પહોંચ્યા છે.

રાજૌરી સેક્ટરના કંડીના જંગલમાં છુપાયેલા આતંકવાદીઓ વિરૂદ્ધ 3 મેથી ઓપરેશન ત્રિનેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનમાં શુક્રવારે સવારે સેનાએ આતંકીઓના એક જૂથને ઘેરી લીધું હતું. અહીં આતંકીઓએ પહાડી વિસ્તારોથી ઘેરાયેલા જંગલ વિસ્તારમાં વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટમાં સેનાના બે જવાન શહીદ થયા હતા અને એક અધિકારી સહિત ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઘાયલોમાંથી ત્રણ જવાનો સારવાર દરમિયાન શહીદ થયા છે. માહિતી અનુસાર આતંકીના જૂથમાં પણ મોટી જાનહાનિ થઈ છે. હજુ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે.
બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ડીજીપી દિલબાગ સિંહ અને એડીજીપી જમ્મુ મુકેશ સિંહ પરિસ્થિતિનો તાગ મેળવવા કંડી પહોંચ્યા છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, કાશ્મીરમાં સતત સેનાને નિશાન બનાવીને હુમલા થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં સેનાના જવાનો શહીદ થયા છે. આ ઘટનાઓમાં ઉરી અને પુલવામાં જેવા મોટા હુમલા પણ સામેલ છે.












Click it and Unblock the Notifications
