ચીન તરફથી મોટો ખતરો? સીડીએસ જનરલ અનિલ ચૌહાણનું આ નિવેદન શું સુચવે છે?
સીડીએસ જનરલ અનિલ ચૌહાણે મોટુ નિવેદન આપતા કહ્યું છે કે, હાલ દેશને ચીનની સરહદ પર મોટો ખતરો છે. અહીં તેમણે સીમા પ્રવાસન પર પણ ભાર મુક્યો હતો.
નવી દિલ્હી : હાલ ભારત અને ચીન વચ્ચે સરહદ પર મોટો વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ ચીની પીપલ લિબરેશન આર્મી અને ભારતીય સૈનિકો વચ્ચે હાથાપાઈ થઈ હતી. આ ઘટનામાં ભારત અને ચીનના ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. હવે આ ઘટના બાદ સીડીએસ જનરલ અનિલ ચૌહાણનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.

સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે, હાલ દેશને ચીનની સરહદ પર મોટો ખતરો છે. તેમણે આગળ કહ્યું કે, લિપુલેખ, બડાહોતી અને અરુણાચલ પ્રદેશમાં પણ ચીન સાથે વિવાદ છે. અહીં સીડીએસ જનરલ અનિલ ચૌહાણે સરહદ પર્યટન વધારવા પર ભાર મુકતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે દરેકને પોતાની સરહદો જોવાની ઈચ્છા હોય છે, તેથી સરહદ પર્યટનની સંસ્કૃતિ વધારવી પડશે.
અહીં સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ઉત્તરાખંડના સીમાવર્તી ગામોમાંથી થઈ રહેલા પલાયન પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યના ઘણા ગામડાઓ વેરાન થઈ ગયા છે. આ ગામડાઓ ફરી વસાવી શકાય કે કેમ તે અંગે શક્યતા શોધવી પડશે. દેશની સુરક્ષામાં સરહદી ગામોનો મહત્વનો ફાળો છે. અહીં લોકોનું પુનઃસ્થાપન થાય તે જરૂરી છે.
સીડીએસ જનરલ અનિલ ચૌહાણ સિવાય પૂર્વ સૈન્ય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ કલિતાએ જણાવ્યું કે, જ્યાં સુધી ડોકલામનો મુદ્દો છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના સંદર્ભમાં કોઈ નવો વિકાસ થયો નથી.
અહીં તેમને ચીન દ્વારા ડોકલામમા કરાઈ રહેલા વિકાસ મુદ્દે પુછાતા તેમણે કહ્યું કે, ડોકલામ વિસ્તારમાં બંને પક્ષો દ્વારા પ્રોટોકોલ અનુસરવામાં આવે છે અને તે અંતર્ગત સ્થાનિક કમાન્ડરો વચ્ચે નિયમિત વાતચીત થાય છે જેથી બંને બાજુ કોઈ નવું બાંધકામ ન થાય.












Click it and Unblock the Notifications
