પાન કાર્ડ, પેન્શન, પીએફ સહિત આ સેવાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત છે!
તે સ્પષ્ટ છે કે રોજિંદા જીવનમાં આધાર કાર્ડ મહત્વનું બની ગયું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 2009 માં આધાર કાર્ડ લોન્ચ કર્યા પછી ઓળખના દસ્તાવેજ તરીકે તે વધુને વધુ વસ્તુઓ સાથે જોડાયુ છે. કાર લોનથી લઈને પેન્શન યોજનાઓ અને ઈન્કમટેક્સ રિટર્ન્સ સુધી આધાર ફરજિયાત છે. આજે અમે તમને એવી 10 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આધારકાર્ડ વિના કામ નહીં કરે.
01. સર્વમાન્ય દસ્તાવેજ - આધાર કાર્ડ ઓળખ પ્રૂફ તરીકે સૌથી માન્ય અને વ્યાપકપણે સ્વીકૃત દસ્તાવેજોમાંથી એક છે. ખાસ કરીને રહેણાંકના પુરાવા, ઉંમર, લિંગ સહિત અન્ય બાબતો માટે તેનો ઉપયોગ વધુ થાય છે. ક્રોસ-વેરિફિકેશન પ્રક્રિયા માટે UIDAI પાસે 30 વત્તા દસ્તાવેજોની યાદી છે, જેના દ્વારા વેરિફીકેશન કરી શકાય છે.
02. વિદેશમાં જવા માટે - એક ભારતીય નાગરિક તરીકે તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો તમારે તમારો પાસપોર્ટ મેળવવા માટે કેટલાક દસ્તાવેજોની જરૂર છે. નવા તેમજ રિન્યૂ પાસપોર્ટ માટે આધારકાર્ડ આવશ્યક દસ્તાવેજ છે.
03. શિક્ષણ - જો તમે ભારતની યુનિવર્સિટી અથવા NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે ઓળખના ફરજિયાત પુરાવા તરીકે આધારની જરૂર પડશે. આ ભારતની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડે છે.
04. બેંકિંગ - બેંક ખાતું ખોલવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે, ખાસ કરીને જ્યારે તમે બચત ખાતું ખેલી રહ્યા હોય.
05. રસોઈ ગેસ - મોટાભાગના ભારતીય પરિવારો હજુ પણ એલપીજી અથવા ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડરોનો ઉપયોગ કરે છે જે સરકારી તેલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવે છે. આ સિલિન્ડર બુક કરવા માટે પણ તમારે ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે આધારની જરૂર પડે છે.
06. પેન્શન - પેન્શન યોજનાનો સંપૂર્ણ ઉપયોગ કરવા અને તમામ લાભ મેળવવા માટે પણ આધાર કાર્ડ ફરજિયાત છે.
07. રેશનની દુકાનો - જાહેર વિતરણ પ્રણાલી (PDS) એક રાષ્ટ્રવ્યાપી સુવિધા છે, જે અનાજ, ખાંડ, મીઠું અને અન્ય ઉપભોક્તા ચીજવસ્તુઓને સબસિડી દરે સપ્લાય કરે છે. રાશનના લાભ મેળળવા માટે રેશન કાર્ડ સાથે પુરાવા માટે આધાર હોવું જરૂરી છે.
08. પ્રોવિડન્ટ ફંડ - મોટાભાગના કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ હોય જ છે. સપ્ટેમ્બર 2021 થી સરકારે આધારને પીએફ સાથે જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. 30 સપ્ટેમ્બર સુધીમાં જો આધાર પીએફ ખાતા સાથે જોડાયેલ નથી તો કર્મચારી કે એમ્પ્લોયર પીએફમાં યોગદાન આપી શકશે નહીં.
09. બિન-નિવાસી ભારતીય (એનઆરઆઈ) - એનઆરઆઈ જે ભારતમાં તેમના બેંક ખાતા ખોલવા ઈચ્છે છે તેમના માટે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ પ્રક્રિયાનો ફરજિયાત ભાગ છે. અગાઉ NRI માટે આધાર કાર્ડ મેળવવા 182 દિવસ રાહ જોવી પડતી હતી. હવે આ સમયગાળો બદલાયો છે અને દેશમાં આવીને તરત જ આધાર માટે આવેદન કરી શકે છે.
10. પાન કાર્ડ - સપ્ટેમ્બર 2021 સુધીમાં આધાર કાર્ડને તમારા પાન કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો પાન કાર્ડ અમાન્ય થઈ જશે. આ આદેશ સરકારે આવકવેરા કાયદાની કલમ 139AA હેઠળ કર્યો છે. 1 જુલાઈ 2017 ના રોજ PAN ધરાવનાર દરેક વ્યક્તિ આધાર મેળવવા પાત્ર છે, તેમને PAN ને આધાર સાથે લિંક કરવું આવશ્યક છે. સરકારે આ માટે 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા આપી છે.