કાબુલ એરપોર્ટની નજીક વિસ્ફોટ, રોકેટ હુમલાની આશંકા
રોકેટ કાબુલના 11 મા સુરક્ષા ડિસ્ટ્રીક્ટમાં એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના ગુલાઇ વિસ્તારમાં એક રહેણાંક મકાન સાથે અથડાયું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર આ રોકેટ હુમલામાં બે લોકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઇજાગ્રર્ત થયા છે.
કાબુલ : રવિવારના રોજ કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે બીજો વિસ્ફોટ થયો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ રોકેટ કાબુલના 11 મા સુરક્ષા ડિસ્ટ્રીક્ટમાં એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના ગુલાઇ વિસ્તારમાં એક રહેણાંક મકાન સાથે અથડાયું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર આ રોકેટ હુમલામાં બે લોકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઇજાગ્રર્ત થયા છે.

ઉલ્લેખીય છે કે, અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર ગુરુવારના રોજ બે મોટા બોમ્બ વિસ્ફોટમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ જે રિપોર્ટ બહાર આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલામાં તમામ ભારતીયો સુરક્ષિત છે અને કોઈ પણ ભારતીય નાગરિક જાનહાનિના સમાચાર નથી. આ હુમલામાં લગભગ 60 લોકોના મોત થયા છે, જેમાં 13 અમેરિકન સૈનિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં 120થી વધુ લોકો ઘાયલ થયા છે. ગુરુવારના રોજ આ આતંકવાદી હુમલા પહેલા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિત ઘણા દેશોએ આ હુમલા અંગે ચેતવણી આપી હતી અને પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવા માટે જણાવ્યું હતું.
કાબુલમાં તાલિબાનના નિયંત્રણ બાદ મોટી સંખ્યામાં લોકો દેશ છોડવા માગે છે, જેના કારણે લોકો મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ પર એકઠા થઈ રહ્યા છે. આ દરમિયાન ગુરુવારના રોજ જે રીતે આતંકવાદી હુમલો થયો તે ડઝનેક લોકોના જીવ લઈ ગયો હતો. એરપોર્ટ નજીક રાહ જોઈ રહેલા અફઘાન નાગરિકે જણાવ્યું કે, એરપોર્ટની અંદર જવા માટે રાહ જોઈ રહેલા લોકો વચ્ચે અચાનક વિસ્ફોટ થયો હતો. જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે, કેટલાક લોકોના ચીંથડા ઉડી ગયા હતા.
ઘણા દેશોએ પોતાના નાગરિકોને એરપોર્ટની નજીક ન જવાની અપીલ કરી હતી. એરપોર્ટ નજીક ફિદાયીન હુમલાની સંભાવના પણ હતી, પરંતુ આ ચેતવણીના થોડા કલાકો બાદ એરપોર્ટ નજીક વિસ્ફોટ થયો હતો. ગત અઠવાડિયે પણ કાબુલ એરપોર્ટ પરથી ચોંકાવનારી તસવીરો સામે આવી હતી, જેમાં જોઈ શકાય છે કે, લોકો વિમાનના પૈડા પકડીને પણ દેશ છોડવા તૈયાર થઇ ગયા હતા, પરંતુ આ દરમિયાન ઘણા લોકો વિમાનમાંથી નીચે પટકાયા હતા અને મૃત્યુ પામ્યા હતા.












Click it and Unblock the Notifications
