NEET-PG પરીક્ષા સ્થગિત કરાયા બાદ ભડક્યા રાહુલ ગાંધી, PM મોદી વિશે કહી આ વાત
NEET-PG : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ NEET-PG પરીક્ષાઓ મોકૂફ રાખવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, હવે NEET PG પણ મુલતવી!
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના શાસનમાં શિક્ષણ પ્રણાલી બરબાદ થઈ ગઈ, તેનું આ વધુ એક કમનસીબ ઉદાહરણ છે. ભાજપના શાસનમાં, વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી બનાવવા માટે અભ્યાસ કરવાની ફરજ પાડવામાં આવતી નથી, પરંતુ તેમનું ભવિષ્ય બચાવવા માટે સરકાર સાથે લડાઇ કરવી પડી રહી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હવે સ્પષ્ટ છે કે, દરેક વખતે ચૂપચાપ શો જોનારા મોદી પેપર લીક રેકેટ અને શિક્ષણ માફિયા સામે સંપૂર્ણપણે લાચાર છે. નરેન્દ્ર મોદીની અસમર્થ સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સૌથી મોટો ખતરો છે - આપણે તેનાથી દેશનું ભવિષ્ય બચાવવાનું છે.

અત્રે નોંધનીય છે કે, NEET-UG પરીક્ષામાં ગોટાળા બાદ UGC-NET પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી. આ દરમિયાન NTAના વડાને સરકારે બરતરફ કરી દીધા છે, અને NEET-UG પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની તપાસ CBIને સોંપવામાં આવી છે.
NEET મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, NEET ભ્રષ્ટાચારનો મુદ્દો હવે મોદી સરકારના ઉચ્ચ અધિકારીઓના ઘર સુધી પહોંચી ગયો છે. ભાજપ દ્વારા બરબાદ થયેલી શિક્ષણ વ્યવસ્થા નોકરિયાતો બદલવાથી ઉકેલાશે નહીં.
NTA ને એક સ્વતંત્ર સંસ્થા તરીકે રજૂ કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં તે ભાજપ/RSSના હિતોની સેવા કરતી સંસ્થા બની ગઈ છે. વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે મોદી સરકારને જવાબદાર ઠેરવવી જોઈએ.
હવે NEET PG પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. છેલ્લા 10 દિવસમાં 4 પરીક્ષાઓ રદ અથવા મોકૂફ રાખવામાં આવી છે. પેપર લીક, ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સાથે શિક્ષણ માફિયાઓ શિક્ષણ પ્રણાલીમાં પ્રવેશ્યા છે. પોતાનો પક્ષ બતાવવાની આ કોશિશ સફળ થઈ રહી નથી. કારણ કે, આ સિસ્ટમના કારણે અસંખ્ય યુવાનોનું શોષણ થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
