અજય માકને રાજસ્થાન પ્રભારી પદેથી હટવાની ઈચ્છા જાહેર કરી, પત્રમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો!
કોંગ્રેસ માટે એક સાંધે ત્યા તેર તુટે તેવી સ્થિતી છે. કોંગ્રેસના નવા અધ્યક્ષની નિયુક્તિ બાદ પણ કોંગ્રેસની આંતરિક બબાલો શાંત થવાનું નામ નથી લઈ રહી.
નવી દિલ્હી : કોંગ્રેસ માટે એક સાંધે ત્યા તેર તુટે તેવી સ્થિતી છે. કોંગ્રેસના નવા અધ્યક્ષની નિયુક્તિ બાદ પણ કોંગ્રેસની આંતરિક બબાલો શાંત થવાનું નામ નથી લઈ રહી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વચ્ચે હવે અજય માકને કોંગ્રેસ હાઈ કમાન્ડને પત્ર લખીને નવો વિવાદ છેડ્યો છે.

રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકને પત્ર લખીને પ્રભારી પદેથી હટવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અજય માકનના આ પત્ર પાછળ રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની ખટપટ જવાબદાર છે. હાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરવાની અને એક વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હવે અજય માકનના આ પત્રએ કોંગ્રેસની ચિંતા વધારી છે.
અહીં તમને જણાવી દઈએ કે, મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળ્યો તે સમયે અજય માકને અન્ય મહાસચિવો સાથે રાજીનામું આપી દીધું હતું. હવે તેમણે રાજસ્થાનના પ્રભારી પદ પરથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. મળતી વિગતો અનુસાર, અજય માકનના આ પગલા પાછળ સપ્ટેમ્બર મહિનામાં રાજસ્થાનમાં થયેલો રાજકીય વિવાદ જવાબદાર છે.
આ વિવાદ પર વિગતે વાત કરીએ તો, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા અશોક ગેહલોતના સ્થાને રાજસ્થાનમાં નવા સીએમની પસંદગી માટે પાર્ટી હાઈકમાન્ડને અધિકૃત કરવા 25 સપ્ટેમ્બરે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. મલ્લિકાર્જુન ખડગેને સુપરવાઈઝર તરીકે અજય માકન સાથે જયપુર મોકલવામાં આવ્યા હતા. પ્રસ્તાવિત બેઠક પહેલા જ ગેહલોત તરફી ધારાસભ્યોએ બળવો કર્યો હતો, જેના કારણે માકન અને મલ્લિકાર્જુન ખડગેને ખાલી હાથે દિલ્હી પરત ફરવું પડ્યું હતું.
આ વિવાદ બાદ બે મંત્રીઓ સહિત ત્રણ ન નેતાઓને અનુશાસનહીનતાના આરોપમાં નોટીસ અપાઈ હતી. જે બાદ અશોક ગેહલોતે 10 જનપથ પહોંચી સોનિયા ગાંધીની માફી માંગી હતી અને પોતે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં ન હોવાનું જણાવ્યુ હતુ. અહીં ગેહલોતે સોનિયા ગાંધીને પ્રભારી અજય માકન વિશે પણ ફરિયાદ કરી હતી.
બીજી તરફ હાલ રાજસ્થાનમાં સચિન પાયલટના સમર્થકો નારાજ હોવાના પણ અહેવાલ છે. ગેહલોતે બે મંત્રીઓ સહિત ત્રણ નજીકના નેતાઓને અનુશાસનહીનતાના આરોપસર કારણ બતાવો નોટિસ જારી કરી હતી. બળવાના થોડા દિવસો પછી, અશોક ગેહલોત 10 જનપથ પહોંચ્યા, સોનિયા ગાંધીની માફી માંગી અને કોંગ્રેસ અધ્યક્ષની રેસથી પોતાને દૂર કરી દીધા. ગેહલોતે સોનિયા ગાંધીને પ્રભારી અજય માકન વિશે પણ ફરિયાદ કરી હતી.
હાલમા સચિન પાયલટે નિવેદન આપ્યું હતું કે, પાર્ટીએ 25 સપ્ટેમ્બર મામલે કાર્યવાહી કરવી પડશે. હવે પ્રભારી માકને પદ છોડ્યા બાદ સ્પષ્ટ કરી દીધું છે કે રાજસ્થાન કોંગ્રેસમાં બધુ બરાબર નથી. અજય માકને આ પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે સચિન પાયલટ ભારત જોડો યાત્રામાં સામેલ થવા મહારાષ્ટ્ર જઈ રહ્યા છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા 5 ડિસેમ્બરે રાજસ્થાનના ઝાલાવાડ પહોંચશે.












Click it and Unblock the Notifications
