માલેગાંવ બ્લાસ્ટ કેસમાં વધુ એક સાક્ષીએ નિવેદન બદલ્યુ, કહ્યું-બંદુકની અણીએ નિવેદન લેવાયુ હતું
આજે વિશેષ NIA કોર્ટમાં માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન કેસ સાથે જોડાયેલા અન્ય એક સાક્ષીએ પોતાનું નિવેદન બદલ્યુ છે. આ 34મો સાક્ષી છે જે સુનાવણી દરમિયાન પોતાના નિવેદન પરથી પલટ્યો છે. પૂર્વ સૈનિક સાક્ષીએ કોર્ટને જણાવ્યું કે, તેનું નિવેદન બંદૂકની અણી પર રેકોર્ડ કરાયું હતું. હવે આ મુદ્દે વધુ સૂનાવણી 6 એપ્રીલે હાથ ધરાશે.

અહીં તમને જણાવી દઈએ કે આ કેસમાં સાક્ષીના ફરી જવાથી તપાસ ટીમને મોટો ફટકો પડ્યો છે. આ પહેલા પણ ઘણા સાક્ષીઓ નિવેદન પરથી પલટી ચુક્યા છે. 2008માં થયેલા વિસ્ફોટ કેસની તપાસમાં અત્યાર સુધીમાં કુલ 226 લોકોના નિવેદન નોંધાયા છે. જેમાંથી 34 સાક્ષીઓએ નિવેદન બદલ્યા છે.
2008માં 29 સપ્ટેમ્બરે રાત્રે માલેગાંવમાં શકીલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ કંપની સામે બ્લાસ્ટ થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા અને 101 લોકો ઘાયલ થયા હતા. આ કેસના આરોપી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, સુધાકર દ્વિવેદી, મેજર રમેશ ઉપાધ્યાય (નિવૃત્ત), અજય રહેકર, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણી જામીન પર બહાર છે. અહીં તમને જણાવી દઈએ કે, આ કેસને લઈને બીજેપી અને કોંગ્રેસ સામસામે આરોપ પણ લગાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
