લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જઈ શકે છે અશોક ગેહલોતની CMની ખુરશી
રાહુલ ગાંધીએ ઘણા નેતાઓ પર પાર્ટીથી આગળ પોતાના પુત્રોને આગળ વધારવાનો આરોપ લગાવ્યો જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ શામેલ છે.
લોકસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ કોંગ્રેસ પાર્ટીની અંદર મોટા ફેરફારના અણસાર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર બાદ મોટા નેતાઓ સામે ખુલીને નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ઘણા નેતાઓ પર પાર્ટીથી આગળ પોતાના પુત્રોને આગળ વધારવાનો આરોપ લગાવ્યો જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ શામેલ છે. ત્યાં સુધી કે રાહુલ ગાંધીએ અશોક ગેહલોતને મળવાનો પણ ઈનકાર કરી દીધો છે.

મળવાનો કર્યો ઈનકાર
વાસ્તવમાં સોમવારે અશોક ગેહલોતને સવારે 11 વાગે રાહુલ ગાંધીને મળવાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ સૂત્રોની માનીએ તો રાહુલ ગાંધીએ તેમને મળવાનો ઈનકાર કરી દીધો. માત્ર રાહુલ ગાંધી જ નહિ પરંતુ રાજસ્થાનમાં પણ ગેહલોત સામે બાગી સૂર સંભળાવા લાગ્યા છે. રાજ્યના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ માંગ કરી છે કે આ હાર બાદ જવાબ માંગવા જોઈએ. માનવામાં આવી રહ્યુ છે કે રાજસ્થાન કોંગ્રેસમાં મોટો ફેરફાર થઈ શકે છે અને શક્ય છે કે અશોક ગેહલોતની સીએમની ખુરશી પણ જઈ શકે છે.

શું કહ્યુ ગેહલોતે
વળી, રાહુલ ગાંધીની નારાજગી પર ગેહલોતે કહ્યુ કે રાહુલ કોંગ્રેસ અધ્યક્ષ છે, અભિયાન દરમિયાન કયા નેતાની ક્યાં ઉણપ રહી, કયા નેતાના નિર્ણયમાં ભૂલ થઈ એ કહેવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે. આવા સમયમાં જ્યારે હારનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યુ છે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ અધ્યક્ષને અધિકાર છે કે તે બધાની ભૂલો બતાવે, અમે લોકોએ આના પર ચર્ચા વિચારણા કરી છે.

બે સીએમના પુત્ર હતા ચૂંટણી મેદાનમાં
તમને જણાવી દઈએ કે કમલનાથના પુત્ર નકુલનાથને પાર્ટીએ મધ્યપ્રદેશની છિંદવાડા સીટથી મેદાનમાં ઉતાર્યા હતા. મધ્ય પ્રદેશથી નકુલનાથ એકલા કોંગ્રેસી નેતા છે જેમણે જીત મેળવી છે. બીજી તરફ રાજસ્થાનમાં પાર્ટીએ જોધપુરની લોકસભા સીટથી સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને મેદાનમાં ઉતાર્યા હતા કે જે ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતથી મોટા અંતરથી ચૂંટણી હારી ગયા હતા. આના કારણે વર્કિંગ કમિટીમાં રાહુલ ગાંધીએ મુખ્યમંત્રીના પુત્રોને ટિકિટ આપવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

મોટા નેતાઓ મનાવવામાં લાગ્યા
સૂત્રોની માનીએ તો સોમવારે રાહુલ ગાંધીએ વેણુગોપાલ અને અહમદ પટેલ સાથે મુલાકાત કરી હતી. જોવાની વાત એ છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં પોતાના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની રજૂઆત કરી હતી જેને એક સૂરમાં તમામ નેતાઓએ અસ્વીકાર કરી દીધો છે. પરંતુ રાહુલ ગાંધી પોતાના રાજીનામા પર અડગ છે અને તેમણે પાર્ટી નેતાઓને વિકલ્પ શોધવા કહ્યુ છે. પરંતુ તેમછતાં આ તમામ મોટા નેતા રાહુલ ગાંધીને મનાવવામાં લાગ્યા છે.












Click it and Unblock the Notifications
