બોક્સર વિજેન્દર સિંહે 12 વખત લીધું હતું ડ્રગ્સ: પંજાબ પોલીસ
નવી દિલ્હી, 1 એપ્રિલ: ઓલિમ્પિક મેડલ વિનર બોક્સર વિજેન્દર સિંહ ડ્રગ્સ મામલામાં ફસાઇ ગયા છે. મામલાની તપાસ કરી રહેલી પંજાબ પોલીસે રવિવારે સ્પષ્ટ કરી દીધુ કે વિજેન્દર અને તેમના મિત્ર રામ સિંહે ડ્રગ્સનું સેવન કર્યું હતું. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2012થી ફેબ્રુઆરી 2013ની વચ્ચે વિજેન્દરે લગભગ 12 વખત અને રામ સિંહે 5 વખત હેરોઇનનું સેવન કર્યું હતું. પોલીસ હવે વિજેન્દરના વાળ અને લોહીના નમૂના લેવા માટે કોર્ટની મદદ લેવાની તૈયારી કરી રહ્યું છે.
પંજાબ પોલીસે અત્યાર સુધી થયેલી તપાસ અંગે જારી કરેલી એક પ્રેસનોટમાં જણાવ્યું છે કે 'એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે બોક્સર રામ સિંહ અને વિજેન્દર સિંહે અનૂપ સિંહ કહલો અને રોકી પાસેથી પોતાના ઉપયોગ માટે હેરોઇન ખરીદી હતી. અત્યાર સુધી થયેલી તપાસમાં સામે આવ્યું છે કે વિજેન્દર સિંહે લગભગ 12 વખત ડ્રગ્સ લીધું છે. રામ સિંહે 5 વખત આનું સેવન કર્યું છે. જોકે સ્મગલર્સની સાથે સક્રિયરીતે જોડાયેલા ન્હોતા. તેમની પાસેથી કંઇ મળ્યું નથી. હાલમાં તેમની ધરપકડ કરવામાં નહીં આવે.'
કહેવામાં આવી રહ્યું છે કે વિજેન્દરે ડ્રગ ડીલર અનૂપ સિંહ કહલો સાથે મોબાઇલ પર 80 વખત વાતચીત થઇ હતી. પંજાબ પોલીસ તરફથી વિજેન્દરના કોલ રેકોર્ડ્સની તપાસ કર્યા બાદ આ ખુલાસો કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ રવિવારે જણાવ્યું કે વિજેન્દર અને કહલો એક બીજાથી સારીરીતે પરિચિત હતા. બંનેની વચ્ચે વાતચીતનો વધુમાં વધુ સમય 2.3 મિનિટ સુધીનો છે.
બંનેની વચ્ચે 10 એસએમએસ પણ મોકલાયા હતા. જ્યારે લૂધિયાના રેંજના ડીઆઇજી એમ. એફ ફારુકી અનુસાર પોલીસે વિજેન્દરના બ્લડ અને હેર સેમ્પલ મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.












Click it and Unblock the Notifications
