Chandigarh : AAP છોડીને ગયેલા 2 પાર્ષદોની ઘરવાપસી, બીજેપીનો આંકડો 15 એ પહોંચ્યો
ચંદીગઢ મેયર ચૂંટણીમાં લોકશાહી ચીરહરણ કરનારી બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી છોડીને ગયેલા બે સાંસદોની ઘરવાપસી થઈ છે.
ચંદીગઢ ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટમાંથી મળેલી હાર બાદ બીજેપીને હવે વધુ એક ઝટકો લાગ્યો છે. બીજેપીમાં જોડાયાના થોડા જ અઠવાડિયા બાદ ચંદીગઢના બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરો શનિવારે ફરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

કાઉન્સિલર પૂનમ દેવી અને નેહા મુસાવત 18 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા હતા, જેમાંથી પૂનમ અને નેહા ફરીથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એક મહિના કરતાં ઓછા સમય પછી બન્ને AAPમાં પરત ફર્યા.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા AAPના ત્રણ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા હતા, જેમાંથી બે ઘરે પરત ફર્યા છે. આ સાથે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 35 સભ્યોના ગૃહમાં AAPનું સંખ્યાબળ 12 પર પહોંચી ગયું છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ ઘટીને 15 થઈ ગયું છે.
કોંગ્રેસ પાસે સાત કાઉન્સિલર છે જ્યારે અકાલી દળ પાસે એક છે. આપના ત્રણ કાઉન્સિલરો એ જ દિવસે ભાજપમાં જોડાયા હતા જ્યારે ભાજપના મનોજ સોનકરે ચૂંટણીમાં ગોટાળા અને ગેરરીતિના આરોપોને પગલે ચંદીગઢના મેયર પદેથી રાજીનામું આપ્યું હતું.
એ સમયે નેહા મુસાવતે AAPને નકલી પાર્ટી ગણાવી હતી અને કહ્યું હતું કે પાર્ટીએ ખોટા વચનો આપ્યા. સુપ્રીમ કોર્ટે પાછળથી ચંદીગઢ મેયરની ચૂંટણીના પરિણામોને ઉલટાવી દીધા અને AAP ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું કે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ દ્વારા અમાન્ય કરાયેલા આઠ મતપત્રો માન્ય હતા અને કુલદીપ કુમારની તરફેણમાં નાખવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે બીજેપીએ વરિષ્ઠ ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરના પદ માટે ફરીથી ચૂંટણી જીતી અને AAP સમર્થિત કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા છે.












Click it and Unblock the Notifications
