CM અરવિંદ કેજરીવાલ વીડિયો કૉલ દ્વારા દિલ્લીની કોર્ટમાં થયા હાજર, કહ્યુ - 16 માર્ચે ખુદ આવીશ
ED Summons Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે (17 ફેબ્રુઆરી)ના રોજ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. તપાસ એજન્સીએ સીએમ કેજરીવાલ સામે ઇડીના અનેક સમન્સ પર હાજર ન થવા બદલ ફરિયાદ દાખલ કરી હતી. જેના કારણે સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું.
વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયેલા સીએમ કેજરીવાલે કહ્યું, 'હું શારીરિક રીતે ત્યાં આવવા માંગતો હતો પરંતુ અચાનક દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે. બજેટ સત્ર પણ ચાલી રહ્યું છે, જે 1 માર્ચ સુધી ચાલશે. હવે પછીની કોઈપણ તારીખે હું જાતે આવીશ."

સીએમ કેજરીવાલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સુનાવણી માટે 16 માર્ચની તારીખ નક્કી કરી છે. સીએમ અરવિંદ કેજરીવાલના વકીલે કહ્યું કે તેઓ આગામી સુનાવણીની તારીખે શારીરિક રીતે હાજર રહેશે.
નોંધનીય છે કે કોર્ટે 17 ફેબ્રુઆરીએ સીએમ અરવિંદ કેજરીવાલને હાજર થવાનો આદેશ આપ્યો હતો. દિલ્લીની રાઉઝ કોર્ટે દારૂ નીતિ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જાહેર કરાયેલા પાંચ સમન્સનો જવાબ કેમ ન આપ્યો તે અંગે જવાબ માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી દારુનીતિ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 5 સમન્સ પાઠવ્યા છે. પરંતુ તેઓ એક વખત પણ ઈડીની ઓફિસે ગયા નથી. ઈડીએ તેમને હાલમાં છઠ્ઠું સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ આજે તેઓ વીડિયો કૉલ દ્વારા દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા.
આજે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ મત પર ચર્ચા થશે. સીએમ કેજરીવાલે શુક્રવારે વિધાનસભામાં વિશ્વાસ મત માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઠરાવ રજૂ કરતી વખતે તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ આપના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
