રાહુલ ગાંધીના કારણે મારો દિકરો પાયલોટ બન્યો : નિર્ભયાની માં
2012માં નિર્ભયા સાથે જે થયું તે વાતનો સાક્ષી આખો દેશ છે. દેશની રાજધાની દિલ્હીમાં 2012માં નિર્ભયા સાથે થયેલા ગેંગરેપને આજે પાંચ વર્ષ થવા આવ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે નિર્ભયાની માતાએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર માન્યો છે. નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું છે કે રાહુલ ગાંધીના કારણે જ મારો પુત્ર પાયલોટ બની શક્યા છે. અને તે માટે હું રાહુલ ગાંધીની આભારી છું. ત્યારે આ અંગે વિગતવાર વાંચો અહીં.

નિર્ભયાનો ભાઇ
નિર્ભયાની માતાએ કહ્યું કે જ્યારે આ દુર્ઘટના થઇ ત્યારે અમારો પૂરો પરિવાર તૂટી ગયો હતો. ત્યારે નિર્ભયાનો ભાઇ 12માં ધોરણમાં હતો. તેનો પરિવાર આ ઘટનાથી તૂટી ગયો હતો. તેના નાના ભાઇને સેનામાં જોડાવાની ઇચ્છા હતી. ત્યારે આ ઘટના બાદ રાહુલ ગાંધી અનેક વાર તેની જોડે ફોન પર વાત કરતા અને તેને ભણવા પ્રત્યે પ્રોત્સાહિત કરતા હતા.

ભણતરનો ખર્ચ
નિર્ભયાનો ભાઇ સેનામાં જોડાવા માંગતો હતો. તેના સ્કૂલના ભણતર બાદ રાહુલ ગાંધીએ તેના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો અને તેને રાયબરેલીમાં આવેલ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડ્ડયન એકેડમીમાં આગળ ભણવા માટે મોકલ્યો. નિર્ભયાની માંએ જણાવ્યું કે આ દરમિયાન પણ રાહુલ ગાંધી ફોન કરીને તેના દિકરાને ક્યારેક પણ નાસીપાસ ન થવાની સલાહ આપતા હતા. એટલું જ નહીં પ્રિયંકા ગાંધી પણ વચ્ચે વચ્ચે નિર્ભયાના માતા-પિતાને ફોન કરી તેમના ખબર અંતર પૂછી લેતી હતી.

બન્યો પાયલોટ
આ એકેડમીમાં ભણ્યા પછી હવે નિર્ભયાનો ભાઇ પાયલોટ બની ચૂક્યો છે. અને હવે તે ગુરુગ્રામમાં કમોશ્યિલ એરલાઇન કેવી રીતે ઉડાવી તેની ટ્રેનિંગ લઇ રહ્યો છે. જેથી કરીને ટૂંક સમયમાં જ તે પોતે પણ પ્લેન ઉડાવી પાયલોટ બનવાનું પોતાનું સપનું સાકાર કરી શકે.

નિર્ભયા કેસ
ઉલ્લેખનીય છે કે 2012માં થયેલા નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલે તમામ આરોપી પર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. તેના સગીર આરોપીને તો હવે છોડવામાં આવ્યો છે પણ તે સિવાય ચાર લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. અને એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. નોંધનીય છે કે નિર્ભયા કાંડ પછી સોનિયા ગાંધી અને તે વખતના વડાપ્રધાન મનમોહન સિંહ નિર્ભયાના માતા-પિતાને મળ્યા હતા.